સબ કા સાથ સબ કા વિકાસઃ મેનપાટના લોકોનો જીવનમંત્ર છે હળીમળીને રહેવું

Sunday 28th August 2022 05:50 EDT
 
 

મેનપાટ (છત્તીસગઢ)ઃ છત્તીસગઢની ઉત્તરે વસેલું સરગુજા જિલ્લાનું મેનપાટ ગામ છે તો ખોબા જેવડું, પરંતુ બે કારણોથી સમગ્ર પ્રદેશમાં લોકપ્રિય છે. એક તો અહીંની ઠંડી ખીણો અને બીજું અહીંના શાંતિપ્રિય તિબેટિયનો. 

આ તિબેટિયનો જ્યારથી અહીં આવીને વસ્યા છે તેમની વચ્ચેના ક્યારેય લડાઈ-ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા જ નથી. તેઓ જાહેરમાં લડ્યા પણ નથી અને કોઈએ પોલીસમાં ફરિયાદ પણ કરી નથી. તેમની વચ્ચે જે પણ વિવાદ થાય તે પરસ્પર ઉકેલી નાખે. તેઓ કહે છે કે સૌથી મોટો વિવાદ ફક્ત કોલર પકડવાનો જ યાદ આવે છે. અહીં ચોરી, દુષ્કર્મ, મર્ડર જેવા ગુના આજ સુધી બન્યા જ નથી.
સરગુજાનું મેનપાટ રાયપુરથી 367 કિમીના અંતરે છે. પર્વતો વચ્ચે આવેલા આ ગામમાં 59 વર્ષથી તિબેટિયન સમુદાય વસે છે. અહીં એક પોલીસ સ્ટેશન આવેલું છે, પણ તે માત્ર શોભાનું પ્રતીક બની રહ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી. તેના ઈન્ચાર્જ એસ.આઈ. શિશિર સિંહ કહે છે કે બે વર્ષથી કમલેશ્વરપુર પોલીસ સ્ટેશનમાં તહેનાત છું. આજ સુધી કેમ્પમાં રહેતા તિબેટિયનો વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી અને ન તો આ પોલીસ સ્ટેશનમાં તેમની સામે કોઈ ગુનાઈત રેકોર્ડ દાખલ છે.
મેનપાટમાં તિબેટિયોની સ્કૂલ પણ છે, જેના હેડ માસ્ટર છે દાવા સેરિંગ. અહીં પ્રાથમિક ધોરણના બાળકો ભણી રહ્યા છે. એમ પણ કહી શકાય કે તેઓ પ્રેક્ટિકલ સાથે ભણી રહ્યા છે. આ સ્કૂલ થ્રી ઈડિયટમાં બતાવાયેલી સ્કૂલ જેવી જ લાગે છે. સેરિંગે કહે છે કે તિબેટિયનો તેમની સંસ્કૃતિને બચાવવા માટે બાળપણથી અલગ પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવે છે. બાળપણથી જ તેમને ધર્મનું શિક્ષણ અપાય છે અને ધર્મનો અર્થ જીવન જીવવાની રીતથી હોય છે. આ અનોખા બોધપાઠને લીધે જ તે ક્યારેય ન તો પરસ્પર લડ્યા છે અને ન તો બીજા લોકો સાથે તેમનો કોઈ વિવાદ થયો છે.

સમસ્યાનું સમાધાન કરે છે કેમ્પ લીડર
આ સમુદાયમાં કોઇ વાતે પરસ્પર વિવાદ થતો જ નથી એવું તો ન કહી શકાય, પણ તિબેટિયનોના કેમ્પમાં જ આ વિવાદો ઉકેલી લેવાય છે. કેમ્પમાં રહેતા 43 વર્ષીય કર્મા દોરજી કહે છે કે દરેક કેમ્પમાં એક લીડર હોય છે. કોઈ પણ સમસ્યા પહેલા આ લીડર પાસે જ જાય છે. લીડર જે પણ નિર્ણય કરે તેને સૌ માને છે. જો નિર્ણયથી અસંમત હોય તો તેનાથી ઉપર પણ તેમની પોતાની કોર્ટ છે. સૌથી મોટી કોર્ટ ધર્મશાળામાં છે. ત્યાંથી ચુકાદો આવ્યા બાદ ક્યાંય સુનાવણી માટે જતા નથી.

જીવન જીવવાનો મંત્ર
તિબેટિયન ધર્મમાં 10 સૂત્ર એ રીતે જણાવાય છે કે બાળકો તેને આત્મસાત કરી લે. તેમાં જૂઠ ન બોલવું, ચોરી ન કરવી, જીવ હત્યા ન કરવી, ગંદી વાતો ન કરવી સામેલ છે. આ સૂત્રોના કારણે જ તિબેટિયનો મૂળ રીપે શાંત સ્વભાવના રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter