સાંગલીનો વાળંદ સોનાના અસ્ત્રાથી હજામત કરે છે!

Friday 25th May 2018 08:24 EDT
 
 

સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ છે એક અસ્ત્રો. આ કોઇ સામાન્ય નહીં, પણ સોનાનો અસ્ત્રો છે. રામચંદ્ર તેના નાનકડા સલૂનમાં સોનાના અસ્ત્રાથી હજામત કરે છે. ૧૮ કેરેટના ૧૦ તોલા સોનાના આ અસ્ત્રાની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. રામચંદ્રએ તે પૂણેના એક કારીગર પાસે બનાવડાવ્યો છે. અહીં સોનાના અસ્ત્રાથી દાઢી બનાવડાવવા માટે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડે છે, અને છતાં સલૂનની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે.
રામચંદ્રએ સલૂનનું નામ પણ 'ઉસ્તરા' રાખ્યું છે. તે કહે છે કે આમ તો આ તેના વડીલોના સમયથી ચાલતો ધંધો છે, પણ તે કંઇક અલગ કરવા ઇચ્છતો હતો, જેથી સોનાનો અસ્ત્રો બનાવડાવ્યો. તેણે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી આ અસ્ત્રો નહીં બને ત્યાં સુધી પોતે દાઢી નહીં કરાવે. ૩ વર્ષ સુધી રાહ જોયા પછી આખરે તેણે પૂણેના મિથુન રાણાને અસ્ત્રો બનાવવા ઓર્ડર આપ્યો. અસ્ત્રો બની ગયા પછી તેણે તેના માતા-પિતાના લગ્નની ૩૩મી વર્ષગાંઠના દિવસે તેનાથી કામ કરવાનું શરૂ કર્યું અને સૌથી પહેલા પોતાના પિતાની દાઢી બનાવી. સાંગલી માર્કેટ સ્થિત રામચંદ્રના સલૂનમાં આજે સ્થિતિ એવી છે કે શેવિંગ કરાવવા ૧ કલાક પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter