સિઉલઃ સાઉથ કોરિયાની રાજધાની સિઉલમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ ગઇ, ઊંઘવાની સ્પર્ધા! ભારત સહિત ઘણા દેશોમાં ઊંઘને આળસ સાથે સરખાવવામાં આવે છે ત્યારે, સાઉથ કોરિયામાં પાવર નેપના ફાયદા ગણાવાય છે. પાવર નેપ એટલે ઊંઘની 10 થી 30 મિનિટની એવી ઝપકી કે જે વ્યક્તિને રિચાર્જ કરી નાખે. આ વાતનું મહત્ત્વ સમજાવવા જ સિઉલમાં પાવર નેપ કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં, હાન નદીના કિનારે આવેલા પાર્કમાં ઊંઘવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સાઉથ કોરિયામાં વધતી ઊંઘની સમસ્યા અને કામના ભારે દબાણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો હતો. કામકાજના મામલે સાઉથ કોરિયાની ગણના દુનિયામાં સૌથી વધુ દબાણ ધરાવતા દેશોમાં થાય છે. લાંબા કામના કલાકો, સ્પર્ધાત્મક અભ્યાસ અને ડિજિટલ જીવનશૈલીના કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ જ કારણથી સિયોલ મેટ્રોપોલિટન ગર્વર્ન્મેન્ટે સતત ત્રીજા વર્ષે પાવર નેપ સ્પર્ધા યોજી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર માટે સ્લીપિંગ બ્યુટી કે પ્રિન્સ જેવા કપડાં પહેરવાની શરત રાખવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન ભાગ લેનારાઓ પાર્કમાં ચટાઈ પર સૂઈ ગયા હતા, જ્યારે આયોજકો તેમના હાર્ટ રેટ માપીને કોણ સૌથી શાંતિપૂર્ણ અને ઊંડી ઊંઘમાં છે તે નિહાળતા હતા. આ અનોખી સ્પર્ધામાં વિજેતા કોણ બન્યું હતું?! 80 વર્ષથી મોટી વયના એક વડીલ. આયોજકોનું કહેવું છે કે આ માત્ર મનોરંજન માટેની સ્પર્ધા નથી, પરંતુ લોકોને એ સમજાવવાનો પ્રયાસ છે કે સારા સ્વાસ્થ્ય માટે આરામની સાથે ગાઢ ઊંઘ પણ અત્યંત જરૂરી છે.


