સિઓલઃ દુનિયામાં મહિલાઓ સુંદર દેખાવા માટે બોટોક્સના ઈન્જેક્શનથી માંડીને હોઠ, લીપ, આંખ અને અન્ય શારીરિક અંગ-ઉપાંગની જાત-જાતની કોસ્મેટિક સર્જરી કરાવતી હોય છે. અને આમાં કંઇ નવું પણ નથી, પરંતુ સાઉથ કોરિયાની એક યુવતીએ તો હદ કરી નાંખી છે.
ગિલ લી-વો નામની આ દક્ષિણ કોરિયન યુવતીએ છેલ્લા 15 વર્ષમાં લગભગ 400 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, જેમાં આશરે 17.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એક ટીવી શોમાં ગિલે ખુલાસો કર્યો હતો કે તેણે 2010માં પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને ત્યારથી તે સર્જરી કરાવી રહી છે. ગિલે જણાવ્યું હતું કે કોલેજની પરીક્ષાઓની તૈયારી કરતી વખતે તેનું વજન ખૂબ જ વધી ગયું હતું અને લોકો તેના શરીરની મજાક ઉડાવવા લાગ્યા હતા. આ ટીકાઓથી તેને ખૂબ જ દુઃખ થયું હતું અને આ કારણે જ તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેણે પ્રથમ સર્જરી કરાવી ત્યારે તેને ઘણો સારો અનુભવ થયો હતો. બસ, પછી તો પૂછવું જ શું?
ગિલ લી-વોને સમય જતાં વધુને વધુ સુંદર દેખાવાની લત લાગી ગઈ. આ મહિલાએ કે જેને સાઉથ કોરિયામાં 'ગંગનમ મીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ સિઓલના ગંગનમ વિસ્તારમાં આવેલા અસંખ્ય કોસ્મેટિક સર્જરી ક્લિનિક્સ પરથી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઉથ કોરિયામાં દેખાવનું ઘણું મહત્ત્વ છે, જ્યાં નોકરી મેળવવાથી લઈને સામાજિક જીવન સુધી દરેક બાબતમાં સુંદરતાને પ્રાધાન્ય આપવામાં આવે છે, જે ગિલ લી-વોન જેવી મહિલાઓને આટલી મોટી સંખ્યામાં સર્જરી કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે.


