સુવર્ણધારી પ્રેમસિંહ

સાડા છ કિલો સોનું પહેરીને રામકથામાં પહોંચ્યા

Tuesday 24th November 2026 06:42 EST
 
 

લખનઉઃ સોનાના ભાવમાં ભલે મંદીનું મોજું છવાયું હોય, પણ કિલોબંધ સોનું પહેરીને ફરતાં ખેડૂત પ્રેમસિંહની લોકપ્રિયતામાં રતિભાર ફરક પડ્યો નથી. પ્રતાપગઢ જિલ્લાના કુંડામાં યોજાયેલી બાગેશ્વર ધામના પંડિત કૃષ્ણ શાસ્ત્રીની રામકથામાં આમ શ્રદ્ધાળુઓથી લઇને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉમટી રહ્યા છે. જોકે આ બધામાં સોનેમઢેલા પ્રેમસિંહ છવાઇ ગયા છે. ગળામાં જાડી સોનાની ચેન, હાથમાં ભારેખમ કડાં, આંગળીઓમાં મોટી મોટી વીંટીઓ... માથાથી પગ સુધી તેમના શરીર પર સોનું જ સોનું જોવા મળે છે.
‘ગોલ્ડમેન ઓફ બિહાર' તરીકે જાણીતા પ્રેમસિંહ રામકથામાં અંદાજે સાડા છ કિલો સોનાના દાગીના પહેરીને પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બિહારના ભોજપુર જિલ્લાના બાસદેવપુર ગામના વતની પ્રેમસિંહ વ્યવસાયે ખેડૂત અને સરકારી કોન્ટ્રાક્ટર છે. શરીર પર તો સોનાના દાગીના ખરા જ આ ઉપરાંત તેમની પાસે 24 કેરેટ સોનાનો ઢોળ ચઢાવેલી ખાસ ગોલ્ડન બુલેટ બાઈક પણ છે. લોકો તેમને જોતાં જ ફોટો અને વીડિયો લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા તો ઘણા ઉત્સાહી તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક જોવા મળતા હતા.
પ્રેમસિંહ કહે છે કે તેઓ સામાન્ય રીતે લગભગ સાત કિલોગ્રામ સોનાના દાગીના પહેરે છે. જોકે, આ વખતે કુંડા પહોંચવાની લાંબી મુસાફરીને કારણે સામાન્ય કરતાં ઓછા ઘરેણાં પહેર્યા છે. તેઓ કહે છે કે રામકથામાં ભાગ લેતી વખતે પણ તેણે સાડા છ કિલોગ્રામથી વધુ સોનું પહેર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter