સૂર્યમિશનના લોન્ચિંગના દિવસે જ ખબર પડી કે મને કેન્સર છેઃ સોમનાથ

Saturday 09th March 2024 11:18 EST
 
 

નવી દિલ્હીઃ ઇંડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વડા એસ. સોમનાથ અત્યારે કેન્સરથી પીડિત છે. તેમને દેશના પહેલા સૂર્ય મિશન આદિત્ય એલ-1ના લોન્ચિંગના દિવસે તેની જાણ થઈ હતી. આ અણધાર્યા સમાચારને કારણે તેમનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. જોકે આ દરમિયાન ઇસરોના મહત્ત્વના મિશનો ચાલી રહ્યા હોવાથી તેઓ અડગ રહીને ટૂંકી સારવાર બાદ ફરજ પર પાછા ફર્યા હતા. હાલમાં જ એક મુલાકાતમાં તેમણે આ અંગે વિસ્તારથી વાત કરી હતી. જાણો તેમના જ શબ્દોમાં...

‘ચન્દ્રયાન-3ની તૈયારીઓના સમયે મને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ હતી પરંતુ, ત્યારે કેન્સરનો અંદાજ ન હતો. 2 સપ્ટેમ્બર 2023ના રોજ આદિત્ય એલ-1ના લોન્ચિંગના દિવસે સ્કેનિંગમાં મને કેન્સરની જાણકારી મળી હતી. (આ સમાચારથી પરિવારે કેવો પ્રતિસાદ આપ્યો એવા સવાલના જવાબમાં) આ સમાચારથી પૂરો પરિવાર અને મિત્રોને આઘાત લાગ્યો હતો પરંતુ એ પડકારજનક સમયમાં તમામ લોકોએ મારો સાથ આપ્યો હતો. પરિવાર, મિત્રો અને સ્વજનોના હૂંફાળા સહકારને કારણે જ મને હિંમત મળી છે. મેં તેમને ખાતરી આપી કે કેન્સર ભલે અસાધ્ય બીમારી માનવામાં આવતી હોય પણ સમયસર નિદાન અને સારવાર દ્વારા તેમાંથી બહાર આવી શકાય છે.
આગળની તપાસ ચેન્નાઈમાં કરાવી તો બીમારી વારસાગત હોવાની જાણ થઈ હતી. પહેલાં સર્જરી થઈ અને ત્યારબાદ કીમોથેરેપી. ચાર દિવસ દાખલ કરાયો હતો, પરંતુ પાંચમા દિવસે કામ પર પરત ફર્યો હતો. અત્યારે રેગ્યુલર ચેકઅપ ચાલી રહ્યું છે, પરંતુ સંપૂર્ણપણે ફિટ છું. હવે મારે નિયમિત તપાસમાંથી પસાર થવાનું રહેશે. જોકે હવે હું કોઈ પીડા અનુભવાતો નથી. આ કેન્સર વિકસિત થઈ રહ્યું હતું. આશા છે જે સમયસર નિદાનને કારણે સારવારમાં સફળતા મળશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter