હરિયાણામાં મળ્યા 5000 વર્ષ પુરાણા શહેરના અવશેષ

Monday 16th May 2022 17:30 EDT
 
 

હિસાર: હરિયાણાના હિસાર જિલ્લામાં 5 હજાર વર્ષ જૂના શહેરના પુરાવા મળ્યા છે. અહીં રાખીગઢી ગામની 11 ટેકરીઓ નીચે આ શહેર દટાયેલું મળ્યું છે. આ શહેર હડપ્પા કાળનું જણાવાઈ રહ્યું છે. પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન 5000 વર્ષ પૂર્વેના મકાનો, સાફ-સફાઈની વ્યવસ્થાઓ સાથે જ માર્ગો, આભૂષણ અને શબના અંતિમ સંસ્કાર માટે મૂકાયેલી વસ્તુઓના પણ પુરાવા મળ્યા છે. પુરાતત્ત્વ વિભાગે હાલ તો ત્રણ ટેકરીઓનું ખોદકામ કર્યું છે. તેમાં જાણ થઈ કે ક્યારેક રાખીગઢી સૌથી મોટું શહેર હતું. અહીં મળેલા બે મૃતદેહના કંકાલને ડીએનએ ટેસ્ટ માટે મોકલી દેવાયા છે. તેનાથી તેમના વાસ્તવિક સમયની વિગતો જાણી શકાશે.
પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ અનુસાર હડપ્પા કાળનું આ શહેર લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદીની સહાયક નદી દૃશ્વદ્વતીના કિનારે વસેલું હતું. ખોદકામમાં 5000 વર્ષ પહેલાની ઈંટો, ગટરો અને તેના પર મૂકેલા માટીના ઘડા મળ્યા છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગના સંશોધક કુમાર સૌરવે કહ્યું કે હડપ્પાકાલીન આ શહેરમાં પક્કલી ઈંટો વડે ગટર બનાવાઈ હતી. એટલે કે તે સમયે ડ્રેનેજની સારી વ્યવસ્થા કરાઈ હતી.
અહીં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને મળેલી ચીજવસ્તુઓની યાદી જોવા જેવી છે.
• કાચી-પાકી ઈંટોથી બનેલા રોડ • ઘરનું માળખું અને ચુલો • ચૂલાને મડબ્રિક લગાવીને તૈયાર કરાયેલં પ્લેટફોર્મ • મૃતદેહના અંતિમ સંસ્કારના પુરાવા • તાજેતરના ખોદકામમાં બે મહિલાઓના અશ્મી • કોપરનો આયનો • માટીની બનેલી કાચી મોહર (સ્ટેમ્પ) • મહિલાઓના અશ્મી નજીકથી તાંબાની વીંટીઓ અને સોનાના વાસણો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter