હવે કૃત્રિમ વૃક્ષો હવાનું શુદ્ધિકરણ કરશે

વાત વિજ્ઞાનની

Sunday 14th December 2025 03:10 EST
 
 

હવે કૃત્રિમ વૃક્ષો હવાનું શુદ્ધિકરણ કરશે

ક્લાઈમેટ ચેઈન્જ અને વાયુ પ્રદૂષણથી જીવન દુષ્કર થતું રહ્યું છે. વધતા શહેરીકરણનો પહેલો શિકાર વૃક્ષો બને છે. કરોડોની સંખ્યામાંના વૃક્ષો કપાય છે તેની સામે ઉગાડવાનું પ્રમાણ નહિવત્ છે જેના પરિણામે, કાર્બન ડાયોક્સાઈડ વધે છે તેની સામે ઓક્સિજનનાં પ્રમાણનું સંતુલન રહેતું નથી. આનો ઉપાય વિચારતા કોલમ્બિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ‘આર્ટિફિશિયલ ટ્રી’ વિકસાવ્યું છે, જે હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ ચૂસી લે છે. હકીકત એ છે કે કુદરતી વૃક્ષની સરખામણીએ કૃત્રિમ વૃક્ષ 1000 ગણી ઝડપે આ કામગીરી બજાવે છે. કૃત્રિમ વૃક્ષોને ઈલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. તેમાં કાર્બનને ચૂસી લેવા વિશિષ્ટ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. કાર્બન ડાયોક્સાઈડ ચૂસીને વૃક્ષ ભરાઈ જાય એટલે તેને પાણીથી સાફ કરી શકાય છે. માત્ર એક વૃક્ષ વાતાવરણમાંથી દરરોજ એક ટન CO₂ ખેંચી શકે છે. રસપ્રદ બાબત એ છે કે 36 કારથી આટલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં છોડાય છે. જોકે, કૃત્રિમ વૃક્ષ જંગલોનું સ્થાન લઈ શકશે નહિ કે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકશે નહિ, પરંતુ વાયુપ્રદૂષણ સામે લડવા નાના પાયા પર શક્તિશાળી સાધન બની શકે છે. ગ્રીન ટેકનોલોજીનો આ નવો વર્ગ છે જે કુદરતની વિરુદ્ધ નહિ, પરંતુ તેની સાથે રહીને કામ કરે છે.

•••

વજનદાર હોવાં છતાં વાદળ હવામાં તરતું રહે છે

કવિ કાલિદાસે પ્રિયતમાને પ્રેમસંદેશો પાઠવવા વાદળને માધ્યમ બનાવી 118 શ્લોકનાં મહાકાવ્ય ‘મેઘદૂતમ્’ રચના કરી હતી. વાદળો કુદરતના સૌથી અદ્ભૂત આશ્ચર્યોમાં એક છે. પહેલી નજરે નિહાળીએ તો એકદમ પોચાં, ફૂલેલાં અને આકાશમાં સહેલાઈથી તરતાં રહે તેવાં હળવાં હોય છે. જોકે, તેમની હકીકત એવી છે જે લોકોને માનવામાં પણ ન આવે. એક વાદળનું વજન એક મિલિયન પાઉન્ડ (આશરે 453592 કિલોગ્રામ) જેટલું હોઈ શકે છે. આ સાચી વાત છે. આટલું જંગી વજન હોવાં છતાં વાદળ આપણા માથા પર પડ્યાં વિના આકાશમાં ફરતું રહે છે તેનું રહસ્ય ફીઝિક્સ અને વાદળ બનાવનારા પાણીના નાના ટીપાંઓમાં રહ્યું છે. પ્રત્યેક ટીપું ઘણું નાનું અને અત્યંત હળવું હોય છે. જ્યારે લાખો અથવા કરોડો ટીપાં એકઠાં થાય ત્યારે જંગી કદ સર્જે છે. જલબિંદુઓ ઉપરની તરફ જતાં હવાના પ્રવાહમાં લટકે છે જેનાથી વાદળ તરી શકે છે. વાદળ નીચેની ગરમ હવા તેને ધીરેથી ઊંચે ઉઠાવે છે અને આસપાસની ઠંડી હવા તેનું સંતુલન જાળવી રાખે છે. હવે આકાશમાં તરતાં વાદળને નિહાળો ત્યારે યાદ રાખજો કે વાદળ માત્ર આકાશી શણગાર નથી, તમે લાખો પાઉન્ડના પાણીને કુદરતી બળોના સામંજસ્ય સાથે કામ કરતા નિહાળો છો. વિજ્ઞાનીઓ વાદળનું સૌંદર્ય જ નિહાળતા નથી, પરંતુ હવામાનની પેટર્ન્સ, વરસાદ અને પૃથ્વીની આબોહવા સિસ્ટમમાં તેમની ભૂમિકાનો પણ અભ્યાસ કરે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter