હવે તો હદ કરે છે ચૂંટણી વચનો! ગામના કુંવારાઓને લગ્નની ગેરંટી

Saturday 17th October 2026 05:52 EDT
 
 

ઝુંઝૂનુઃ રાજસ્થાનમાં પંચાયતી રાજ ચૂંટણીનો માહોલ ગરમ છે. ચૂંટણીમાં નેતાઓ સામાન્ય રીતે પાક્કા રસ્તા, વીજળી અને પાણી જેવા મુદ્દાઓ પર મત માગતા હોય છે, પરંતુ ઝુંઝુનૂ જિલ્લાના ઝાઝડ ગામના એક મહિલા ઉમેદવારે તો ચૂંટણી વચન આપવામાં હદ કરી નાંખી છે. સરપંચ પદના મહિલા ઉમેદવાર અનીતા સૈનીએ આપેલું વચન સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. તેમણે ગામના તમામ કુંવારા યુવકોના લગ્ન કરાવવાની ગેરંટી આપી છે. તેમના આ અનોખા ચૂંટણી વચનની આજુબાજુના ગામમાં પણ ચર્ચા થવા લાગી છે.
વાઈરલ વીડિયોમાં અનીતા સૈનીએ દાવો કર્યો છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો ગામના કુંવારા યુવકો માટે કન્યા શોધવા અને તેમના લગ્ન કરાવવા પૂરા પ્રયાસ કરશે. જરૂર પડશે તો બીજા ગામમાં જઈને પણ કન્યા શોધી આપશે અને જાન લઈ જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવાની પણ વાત કરી છે.
આ અનોખા વચન બાદ સોશિયલ મીડિયા પર લોકો મનોરંજક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ મજાક ઉડાવતાં કહે છે કે જે યુવકો લગ્ન કરવા હોય તેમણે હવે આ ગામમાં રહેવા આવી જવું જોઇએ! હાલમાં આ ચૂંટણી વચન ચર્ચાનો વિષય બન્યું છે. તો બીજી તરફ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter