બેઇજિંગઃ ચીનની અગ્રણી ટેક કંપની ટેન્સેન્ટ દ્વારા પાલતુ પ્રાણીઓ માટે એક વિશેષ સ્ટ્રીમિંગ ચેનલ ‘પેટ ટીવી’ લોન્ચ કરાઇ છે. 24 કલાકની આ ચેનલ ખાસ કરીને કૂતરા અને બિલાડીઓના મનોરંજન માટે તૈયાર કરાઇ છે.
કંપનીએ કરેલા એક સંશોધનના તારણ મુજબ, ચીનમાં આશરે 66 ટકા પાલતુ પ્રાણીઓના માલિકો જ્યારે ઘરની બહાર જાય છે, ત્યારે તેઓ તેમના પાલતુ પ્રાણીઓ એકલતા ન અનુભવે તે માટે ટીવી ચાલુ રાખીને જાય છે. લોકોની આ જરૂરિયાત અને પાલતુ પ્રાણીઓના એકલવાયાપણાને દૂર કરવા માટે ટેન્સેન્ટ દ્વારા આ ખાસ ચેનલ શરૂ કરાઇ છે.
ચેનલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનું કન્ટેન્ટ, વિઝ્યુઅલ્સ અને ઓડિયો પ્રાણીઓના જૈવિક બંધારણ મુજબ તૈયાર કરાયું છે. મનુષ્યોની સરખામણીએ પ્રાણીઓની જોવા-સાંભળવાની ક્ષમતા અલગ હોય છે, તેથી આ ચેનલ પર રંગો, રિફ્રેશ રેટ અને સાઉન્ડ ફ્રીક્વન્સી પ્રાણીઓને આકર્ષિત કરે તે રીતે સેટ કરાઇ છે. કંપનીને આશા છે કે દિવસો જતાં આ ટીવી ચેનલ તગડી કમાણી કરશે. કંપનીની આ માન્યતાના મૂળમાં ઊંડા અભ્યાસના તારણો છે.
એક રિપોર્ટ મુજબ ચીનમાં પાલતુ પ્રાણીઓનું બજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. 2028 સુધીમાં ચીનનું અર્બન પેટ માર્કેટ 405 બિલિયન યુઆન (અંદાજે 5.5 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચવાની શક્યતા છે. આવી સ્થિતિમાં પાલતુ પ્રાણીઓના મનોરંજન માટે પેટ ટીવી જેવી સેવાઓ લોકપ્રિય થવાની પૂરી સંભાવના છે.


