લંડનઃ કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડ્સ 2025ના ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી એન્ટ્રીઓ જાહેર થઇ ગઇ છે. આ ફોટોગ્રાફ્સમાં પશુપંખીઓની એવી મજેદાર અને અનોખી પળોને કેમેરામાં કેદ કરાઇ છે, જેના પર નજર ફેરવતાં જ કોઇના પણ ચહેરા પર સ્મિત ઝળકી જાય. સ્પર્ધાના વિજેતાના નામની જાહેરાત આગામી નવમી ડિસેમ્બરે કરાશે.
આ વર્ષની શાનદાર તસવીરોમાં એક ગિલમોટ પક્ષી તેના સાથીની ચાંચમાં માથું ફસાવીને જોવા મળી રહ્યું છે, તો ક્યાંક એક ખિસકોલી હવામાં ઊડતી દેખાઈ રહી છે. તો ઈન્ડોનેશિયાના જંગલમાં કેમેરામાં કેદ થયેલી એક તસવીરમાં ઉરાંગઉટાન જોવા મળે છે. તે જે જાણે યોગાભ્યાસ કરી રહ્યો હોય તેવું દેખાય છે. ડાળી પકડીને જાણે ‘સ્ટ્રેચિંગ’ કરી રહ્યો હોય તેવું તસવીરમાં જોવા મળે છે. ફાઇનલમાં પહોંચેલી એક અન્ય તસવીરમાં ખિસકોલી હવામાં ચારેય પગ ફેલાવીને ઊડતી નજરે પડે છે. તસવીર જોતાં એવું લાગે છે કે જાણે તે સરેન્ડર કરી રહી છે. તો આવી જ બીજી એક ધ્યાનાકર્ષક તસવીરમાં રેડ-થ્રોટેડ લૂન પક્ષી પાણી પર એવી રીતે ઉતરતું જોવા મળે છે કે જાણે પાણી જ તેનો રન-વે હોય.


