હા, પસ્તાવો વિપુલ ઝરણું... 33 વર્ષ પછી પ્રાયશ્ચિત!

Sunday 24th May 2026 08:49 EDT
 
 

રતલામઃ જીવનમાં ક્યારેક ક્ષણિક લાલચ માણસને ભૂલ કરવા ભલે મજબૂર કરે, પરંતુ સાચો પસ્તાવો વર્ષો પછી પણ શાંતિ આપી શકે છે. મધ્યપ્રદેશના રતલામમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા શાકિર હુસૈન મન્સૂરીએ 33 વર્ષ પહેલાં કરેલી એક ભૂલ સુધારીને પ્રામાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે.
વાત છે 8 ઓગસ્ટ 1993ની. શાકિર અને તેમના મિત્ર રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમને એક બેગ મળી હતી. જેમાં 8,000 રૂપિયા રોકડા અને જરૂરી કાગળો હતા. યુવાનીના જોશ અને લાલચમાં આવીને બંનેએ કાગળો ફાડી નાખ્યા અને રકમ અડધી-અડધી વહેંચી લઇને ઘરભેગા થઇ ગયા. જોકે, વર્ષો વીતતા શાકિરના મનમાં પસ્તાવો થવા લાગ્યો. તાજેતરમાં જ તેમના આ ‘કરતૂતમાં ભાગીદાર’ મિત્રનું અવસાન બાદ શાકિર હૂસૈનની આ બેચેની ખૂબ વધી ગઈ હતી.
શાકિર હુસૈન કામે લાગ્યા. વર્ષોજૂની ધૂંધળી યાદોના આધારે બેગના મૂળ માલિક એવા બાલકૃષ્ણ રાઠોડને શોધી કાઢ્યા. જ્યારે તેઓ રૂપિયા પરત કરવા પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તે સમયે રકમ ખોવાઈ જવાથી બાલકૃષ્ણ રાઠોડનો ભત્રીજો આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યો હતો. આ વાત જાણીને શાકિર હૂસૈને ભાવુક થઈ માફી માગી. રાઠોડ પરિવારે પણ ઉદારતા બતાવીને રકમ સ્વીકારી અને શાકિરને માફ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter