હાર્બિન આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલઃ બરફના અદ્ભૂત સ્થાપત્યનો નજારો

Friday 16th January 2026 02:35 EST
 
 

બૈજિંગઃ નૂતન વર્ષના આગમન સાથે જ ચીનમાં હાર્બિન શહેરમાં જગવિખ્યાત આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે મહાકાય સ્કલ્પચર પથ્થરના નહીં, પણ બરફના હોય છે. આ ફેસ્ટિવલની આજે ફક્ત ચીનમાં જ નહીં આખા વિશ્વમાં બોલબાલા છે. અમેરિકાએ ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે માનવામાં આવતું હતું કે આની તોલે કશું જ નહીં આવે. હવે ચીને હાર્બિન શહેરમાં આઇસ એન્ડ સ્નો સ્કલ્પચર બનાવ્યું છે તે જોઈને મન અભિભૂત થયા વગર રહેતું નથી. આજે આ આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ ચીનની આગવી ઓળખ બની ગયો છે. ચીને આઈસ એન્ડ સ્નો સ્કલ્પચરને એમ્યુઝમેન્ટ પાર્ક સાથે સાંકળીને એક નવો જ માર્ગ ચીંધ્યો છે.  આ ઉત્સવની લોકપ્રિયતા દર વર્ષે સતત વધતી રહી છે. વીતતા જતાં દરેક વર્ષની સાથે-સાથે આ મહોત્સવમાં વધુને વધુ વૈવિધ્યસભર અને વધુને વધુ નવા જ સ્વરૂપના આઈસ સ્કલ્પચર રજૂ થઇ રહ્યા છે, જે નિહાળીને પ્રવાસીઓ અભિભૂત થઈ જાય છે. બરફનો આ પ્રકારનો ઉપયોગ કરવાનો વિચાર આલ્પ્સની પર્વતમાળામાં વસેલા યુરોપીયનોને પણ આવ્યો નથી જે ચીનને આવ્યો છે. ચીને તેના આ આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલથી ફક્ત ચીનને જ નહીં પણ આખા વિશ્વને અભિભૂત કરી દીધું છે. આ ફેસ્ટિવલની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં યુરોપિયનોની સંખ્યા નોંધપાત્ર છે. આ સિવાય હવે ભારતીય મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે. પ્રવાસના શોખીનો માટે તો આ સ્થળ જાણે અવર્ણનીય કહી શકાય તેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter