હમીરપુરઃ દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં લોકો દિવાળીના દિવસે ભોજનની સારી વાનગી પણ નથી બનાવતાં, ઘરોમાં કોઇ સજાવટ પણ નથી કરતા. ગામમાં માન્યતા છે કે કોઇ દિવાળી ઉજવવા પ્રયાસ પણ કરે છે તો હોનારત કે અકાળ મૃત્યુ થઇ જાય છે.
ગામના વૃદ્ધોનું કહેવું છે કે આ શ્રાપ સેંકડો વર્ષ જૂનો છે. કહેવાય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન દીપાવલીના દિવસે ગામની એક ગર્ભવતી મહિલા પિયર જવા નીકળી હતી. એ સમયે જ લશ્કરમાં પતિ કરતાં તેના પતિનું મૃત્યુ નીપજે છે. મહિલા આ આઘાત સહન કરી શકતી નથી. તે પતિના મૃતદેહ સાથે સતી થઇ જાય છે. બસ, આ પછી ગામના લોકોએ દિવાળીની ઉજવણી કરી નથી.
ગામના એક રહેવાસીનું કહેવું છે કે એવું નથી કે કોઇએ એ પછી દિવાળી ઉજવવાનો પ્રયાસ નથી કર્યો. જો કોઇ આવું કરે છે તો કોઇને કોઇનું મોત થઇ જાય છે કે કોઇ અનિચ્છિત ઘટના થઇ જાય છે. તેમણે એવું પણ કહ્યું કે પૂજા-પાઠ કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો, પરંતુ તેની કોઇ અસર થઇ નથી.


