હેન્ડ પમ્પના પાણીથી સ્નાન કર્યા બાદ આખો પરિવાર થઈ ગયો ટાલિયો !

Thursday 04th February 2016 01:01 EST
 
 

મધુબની (બિહાર)ઃ હેન્ડપમ્પ કોઈ પરિવાર માટે આફત બની શકે તે શક્ય છે?! વાત માન્યામાં આવે તેવી નથી, પરંતુ બિહારના મધુબની જિલ્લામાં લદનિયા નામના એક વિસ્તારમાં હેન્ડ પમ્પના પાણીથી નહાયા બાદ પરિવારના તમામ સભ્યો ટાલિયા થઈ ગયા છે. આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં દહેશત છે. વહીવટી તંત્રે આ હેન્ડ પમ્પને સીલ કરી દીધો છે. આ પરિવારના જે ચાર લોકો ટાલિયા થઈ ગયા છે તેમાં અન્ય કોઈ પ્રકારની શારીરિક તકલીફ છે કે કેમ તે અંગે પણ પરીક્ષણ થઇ રહ્યા છે.
લદનિયાના નાથપટ્ટી ગામમાં બપોરના સમયે ઘરની બહાર લાગેલા હેન્ડ પમ્પના પાણીથી એક જ પરિવારના ચાર સભ્યોએ સ્નાન કર્યું હતું. સાંજ પડતાં સુધીમાં તો પરિવારના ચારેય સભ્યો ટાલિયા થઈ ગયા હતા. આ અંગે સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર બિમલ કુમાર તેમ જ પીએચસીના ચિકિત્સક ડો. વિજય સાહે તેમની પૂછપરછ કરી હતી. જોકે, તેમના વાળ કેમ ઊતરી ગયા તેના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.
વહીવટી તંત્રે તપાસ માટે પાણીના નમૂના લઈ હેન્ડ પમ્પને સીલ કરી દીધો છે. પીડિતોએ જણાવ્યું હતું કે, શનિવારે બપોરે તેમણે ચારેયે ઘર પાસે રહેલા હેન્ડ પમ્પમાંથી કાઢેલા પાણીથી સ્નાન કર્યું હતું. સ્નાન બાદ થોડાક જ સમયમાં તમામના વાળ ચોંટી ગયા હતા અને તેને અડકતાં જ વાળ હાથમાં આવી ગયા હતા. સાંજ પડતા સુધીમાં તો તેઓ ટાલિયા થઈ ગયા હતા.
આ ઘટના બાદ મહિલાઓ માટે ઘરની બહાર નીકળવાનું પણ શક્ય નથી અને ઘરમાં તેઓ કેટલો સમય બેસી રહેશે તે પણ એક પ્રશ્ન છે. અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે, આ તો સારું થયું કે તેમની દીકરીના થોડા દિવસ પહેલાં લગ્ન થઈ ગયા છે, જો આ ઘટના પહેલા બની હોત તો અમારા માટે ભારે મુશ્કેલી સર્જાઇ હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter