લંડનઃ બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ ગુરખા સૈનિક હરિએ સાહસની ચરમસીમા દર્શાવતા ઇતિહાસ રચ્યો છે. એક પણ પગ ન હોવા છતાં તેમણે સાત ખંડના ઊંચા શિખરો સર કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા છે. હૈયે જો હામ હોય તો ગમેતેવા ઊંચા અવરોધો નડતા નથી તેનું અપ્રતીમ ઉદાહરણ હરિએ પૂરું પાડ્યું છે.
ગુરખા સૈનિક હરિએ 2010માં તાલિબાન સામેના યુદ્ધ દરમિયાન બન્ને પગ ગુમાવવા છતાં હાર માની ન હતી. તેમનો જુસ્સો અકબંધ હતો. સમય અને સંજોગને તેમણે ટક્કર આપી. ઇજામાં રિકવરી થયા બાદ ફરી ફિટનેસ માટે મહેનત શરૂ કરી. બે વર્ષ પૂર્વે, 2023માં બન્ને પગ નહીં હોવા છતાં એવરેસ્ટ સર કરનારા તે વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
આ પછી તેમણે એક ઝનૂન સાથે પૃથ્વીના સાતેય ખંડમાં આવેલા સૌથી ઊંચા માઉન્ટેનને સર કરવાની જીદ પકડી હતી અને છ જાન્યુઆરી 2026ના રોજ 46 વર્ષના હરિએ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર ધ્વજ લહેરાવીને નવો વિશ્વવિક્રમ રચી દીધો હતો. આ સાથે તેઓ બન્ને ઘૂંટણથી પગ ન હોવા છતાં પણ સાત ખંડના તમામ સૌથી ઊંચા પહાડોને સર કરનારા પ્રથમ માનવી બની ગયા છે. માઇનસ 25 ડિગ્રી ઠંડી અને ભયાનક ઠંડાગાર પવનના સપાટા વચ્ચે હરિએ આ સિદ્ધિ મેળવી છે.


