લંડનઃ તેમનું નામ છે બેટ્ટી બ્રોમેજ, અને તેમણે બાયપ્લેનની પાંખો પર સવાર થઇને પાંચમી વખત ઉડાન ભરી. એટલું જ નહીં, સ્કાય ડાઇવિંગ પણ કર્યું. જોકે આસમાનને આંબતી આ સિદ્ધિઓ છતાં વાત અહીં પૂરી નથી થતી. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે કેમ કે આ સિદ્ધિ તેમણે 93 વર્ષની વયે હાંસલ કરી છે. આથી પણ વધુ ઉલ્લેખનીય બાબત તો એ છે કે એક વર્ષ પહેલાં જ તેમની હાર્ટ સર્જરી થઇ છે અને પેસમેકર પણ લાગ્યું છે. આમ છતાં બેટ્ટી બ્રોમેજે ચેરિટી માટે આ પરાક્રમ કર્યું છે. તેઓ આર્થ્રાઇટિસથી પણ પીડિત છે, પણ બેટ્ટી બ્રોમેજનો તરવરાટ યુવાનોને પણ શરમાવે તેવો છે. તેઓ માને છે કે ઉંમર તો એક આંકડો માત્ર છે, જો તમારામાં જુસ્સો હોય તો ગમેતેટલી ગમેતેવી સિદ્ધિ હાંસલ થઇ શકે.
બેટ્ટી બ્રોમેજ જણાવે છે કે તેમને આ રીતે ઉડાનની પ્રેરણા ચોકલેટની એક ટીવી એડ જોઇને મળી હતી અને તેઓ સાબિત કરવા માગતા હતા કે આ ઉંમરે પણ આવું સાહસપૂર્ણ કામ કરી શકે છે.