૧૧૧ નોટઆઉટ હેન્રીદાદાઃ દીર્ઘાયુનું રહસ્ય છે દરરોજ કસરત, પૌષ્ટિક આહાર

Wednesday 26th September 2018 07:50 EDT
 
 

લોસ એન્જેલસઃ જરા વિચાર તો કરો કે આજે કેટલા લોકો તંદુરસ્તી જાળવીને આયુષ્યની સદી ફટકારી શકે છે? બહુ ઓછા લોકો આવા નસીબદાર હોય છે. જાપાનના વતની અને હાલ અમેરિકામાં વસતા હેન્રી સેંગ આવા જ નસીબવંતા છે, જેઓ એકદમ તંદુરસ્ત બનીને જીવનનું ૧૧૧મું વર્ષ ભોગવી રહ્યા છે. પ્રબળ ઇચ્છાશક્તિ અને શિસ્તબદ્ધ જીવન અપનાવીને કોઈ પણ વ્યક્તિ દીર્ઘાયુ ભોગવી શકે છે તેવું હેન્રી સેંગનું માનવું છે. તેઓ આ ઉંમરે પણ નિયમિત જિમમાં જઈને કસરત કરે છે અને ભોજનમાં હંમેશા પૌષ્ટિક આહાર લે છે. હેન્રીદાદાએ ગયા એપ્રિલમાં જ ૧૧૧મી વર્ષગાંઠની ઉજવી છે.
જાપાનના યોકોહોમામાં જન્મેલા હેન્રી સેંગ ૧૯૭૫થી લોસ એન્જેલસમાં વસે છે. ૮૦ વર્ષની વય સુધી તેઓ યોગ કરી શકતા અને ૯૦ સુધી વહેલી સવારે એરોબિક ક્લાસ કરતા હતા. આજેય તેઓ નિયમિત કસરત કરે જ છે, પણ શરીરને એકદમ શ્રમ પડે તેવી નહીં. આ ઉપરાંત હંમેશા આહારવિહારની કાળજી રાખે છે. તેઓ કહે છે કે કોઈ પણ વ્યક્તિ દીર્ઘાયુ ભોગવી શકે છે.

જિમમાં ૩૦ મિનિટ સાઈકલિંગ કરે છે

ઉદ્યોગસાહસિક એવા સેંગ ૧૯૭૮ની સાલમાં વાયએમસીએ ક્લબમાં સભ્ય બન્યા હતા અને તેઓ ક્લબમાં જિમની સાથે સાથે ૩૦ મિનિટ સુધી સાઇકલિંગ પણ કરે છે. તેઓ નાસ્તામાં બે બાફેલાં ઈંડાં, થોડી દ્રાક્ષ, કેળાં, અડધો કપ કોફી, ઓરેન્જ જ્યુસ, બ્રેડ સાથે માખણ અને જામ લે છે. તેમનો તંદુરસ્ત આહાર તેમને ચુસ્ત-દુરસ્ત બનાવી રાખે છે. ૧૧૧ વર્ષની વ્યક્તિ નાસ્તામાં પણ આટલું કેવી રીતે ખાઈ શકે છે તે પણ મોટી વાત છે, કારણ કે મનથી તો તેઓ આજે પણ યુવાન છે.

પત્નીએ પણ સદી ફટકારી હતી

હેન્રીદાદાના પુત્રી લિંડા સિયા જણાવે છે કે યુવાનીમાં મારા પિતાને તરવાનો અને આઉટડોર ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. તેઓ પહેલેથી જ તંદુરસ્ત જીવનશૈલી અનુસરતા રહ્યા છે. તેઓ દારૂ પીતા નથી કે તેમને કોઈ વ્યસન પણ નથી. ૧૯૫૦માં અમારો પરિવાર હોંગકોંગમાં રહેતો હતો અને મારા માતાનું ૨૦૧૩માં ૧૦૦ વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ પણ નિયમિત યોગાસનો કરતા હતા. હેન્રી સમયપાલનના બહુ પાકા છે. તેઓ સમયસર તેમનાં કામો કરે છે.

જાપાન શતકવીરોનો દેશ

દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ધરાવનારાઓ જાપાનમાં વસે છે. જાપાનમાં જીવનની સદી પૂરી કરનાર લોકોમાં ૬૧,૪૫૪ મહિલાઓ અને ૮,૩૩૧ પુરુષો છે, જેમાં પૂર્વ વડા પ્રધાન યાસુહિરો નાકાસોને પણ સામેલ છે, જેઓ મે મહિનામાં ૧૦૦ વર્ષના થયા છે. જાપાનમાં ૧૯૭૧ પછી ૧૦૦ વર્ષની ઉંમરનાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર પાંચ વર્ષમાં જાપાનમાં ૧૦૦ વર્ષ પૂરાં કરનારાની સંખ્યા એક લાખને પાર પહોંચી જશે અને દસકામાં આ આંક વધીને ૧.૭૦ લાખને વટાવી દેશે. જોકે આ પ્રવાહમાં જાપાન સરકાર માટે ખર્ચાળ છે કેમ કે સરકાર વૃદ્ધોને પેન્શન આપે છે અને જેટલું જીવન લાંબું ચાલે તેટલો પેન્શન ખર્ચ વધવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter