૭ વર્ષની વયે શરૂ કરેલી બેન્કમાં આજે ૨૦૦૦ કસ્ટમર્સ છે

Friday 19th October 2018 07:18 EDT
 
 

લીમાઃ બાળકો મોટા થઇને પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવાના સપના જોતા હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બાળકો એવાં પણ છે જેઓ બાળપણમાં જ જબરા બિઝનેસ-માઇન્ડેડ હોય છે અને તેમના સપનાં પણ સાકાર કરી લે છે. પેરુની રાજધાનીમાં રહેતો જોસ એડોલ્ફો આવો જ ટેણિયો છે.
જોસે માત્ર સાત વર્ષની ઉંમરે બાળકોની સેવિંગ્સ બેન્ક શરૂ કરી હતી. હવે જોસ ૧૭ વર્ષનો છે અને હાલમાં તેની ચિલ્ડ્રન સેવિંગ્સ બેન્કના ૨૦૦૦થી વધુ કલાયન્ટ્સ છે. આ બેન્ક વિવિધ ફાઈનાન્સિયલ સર્વિસીસ પણ આપે છે. જોસ સાત વર્ષનો હતો ત્યારે તેને પોતાને આ આઇડિયા આવેલો. તેણે જોયું કે તેના દોસ્તો સ્વીટ્સ, ચોકલેટ્સ અને રમકડા પાછળ બહુ પૈસા ખર્ચી નાખે છે. તેને લાગતું હતું કે પેરન્ટ્સ દ્વારા આપવામાં આવતા પોકેટમનીનો બાળકોએ યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. તે ઉંમરે પણ તેને પૈસાની બચત કરવાની સમજણ હતી કેમ કે તેણે પોતાના પેરેન્ટસને પૈસાની બચત માટે બેન્કની મદદ લેતા જોયેલા. આથી તેણે નક્કી કર્યું કે તે પોતાના જેવા બાળકો માટે આવી ફાઇનાન્સ સિસ્ટમ તૈયાર કરે.
બીજી કોઇ બેન્ક તો બાળકોને જાતે બેન્કિંગ-સિસ્ટમ સાથે ડીલ કરવા દેતી નહોતી એટલે તેણે પોતે જ બેન્ક ખોલવાનું વિચાર્યું. ટીચર્સને આ આઇડિયા કહ્યો તો તેમણે કહી દીધું કે બેન્ક ચલાવવા માટે તું હજી બહુ નાનો છે. નસીબજોગે સ્કુલના પ્રિન્સિપાલે તેને
સપોર્ટ કર્યો. સ્કુલના એક આસિસ્ટન્ટની મદદથી તેણે બેન્કની શરૂઆત કરી. શરૂઆતમાં બધા જ કલાસમેટ્સ તેની મજાક ઉડાવતા.
બેન્કમાં ખાતું ખોલાવવા માટે તેણે પેપર અને પ્લાસ્ટિક રીસાઇકલ કરવાનું શરૂ કર્યું. ખાતું ખોલાવવા માટે પહેલા કોઇ બાળકે પાંચ કિલો રીસાઇકલ થઇ શકે એવાં પેપર કે પ્લાસ્ટિક જમા કરાવવા પડે. એ પછી તેણે મેમ્બરશીપ કન્ટીન્યુ કરવા માટે દર મહિને એક કિલો રીસાયઇકલ મટીરિયલ જમા કરાવવું પડે. આ ચીજો વેચીને જે કંઇ રકમ એકત્ર થાય એ તેમના સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થાય. તેણે બાળકોને બચત કરવાનો ગોલ નક્કી કરવા કહ્યું અને તેમના એકાઉન્ટમાં તેમના ગોલ મુજબની બચત થાય એ પછી જ તેઓ એમાંથી કંઇક ઉપાડી શકે એવી સિસ્ટમ ગોઠવી.
જોસે લોકલ રીસાઇકલ કંપની સાથે ટાઇ-અપ કરીને બાળકોએ એકઠા કરેલા કચરાને વધુ કિંમત મળે એવી વ્યવસ્થા ગોઠવી. ૨૦૧૨ અને ૨૦૧૩ના વર્ષ દરમિયાન આ સ્ટુડન્ટ્સ બેન્કે એક ટન રીસાઇકલેબલ મટીરીયલ એકઠું કર્યુ અને ૨૦૦ બાળકોના સેવિંગ્સ એકાઉન્ટ જનરેટ થયા.
આ પછી દરેક બાળકની બચતને વધુ વળતર મળે એ માટે પેરુની સ્થાનિક બેન્ક સાથે પણ પાર્ટનરશિપ કરતા સ્ટુડન્ટ્સ બેન્કના કલાયન્ટની સંખ્યા હાલમાં ૨૦૦૦ ના આંકડાને પાર કરી ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter