પટિયાલાઃ કોઇ વાતે નારાજગી વ્યક્ત કરવા ધરણાં - વિરોધ તો દેશવિદેશમાં થતાં હોય છે, પરંતુ પંજાબના પટિયાલામાં થયેલા અનોખા ધરણાંએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. એક્ટિવિસ્ટ ગુરજીતસિંહ ખાલસા વિરોધ કરવા ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના 400 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયા હતા તે પૂરા દોઢ વર્ષે નીચે ઉતર્યા છે. આટલા દિવસો સુધી ટાવર પર ધરણા કરનારા ગુરજીતસિંહને અંતે રેસ્ક્યુ કરીને નીચે ઉતારાયા છે.
વાત એમ છે કે ધાર્મિક લાગણી દુભાતી રોકવા માટે આકરો કાયદો ઘડવાની માગણી સાથે ગુરજીતસિંહ ખાલસા પટિયાલાના બીએસએનએલના ટાવર પર ચડી ગયા હતા, આ ટાવર 400 ફૂટ ઉંચો હોવાથી ગુરજીતને નીચે ઉતારવા પ્રશાસન માટે બહુ કપરું કામ બની ગયું હતું. પણ બધું સુખરૂપ પાર પડ્યું છે. તાજેતરમાં જ પંજાબ સરકાર દ્વારા ધાર્મિક અપમાનને રોકવા માટે આકરો કાયદો ઘડવામાં આવ્યો છે જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
આ કાનૂની જોગવાઇ પછી ગુરજીતસિંહ ખાલસાએ પોતાના ધરણા સમેટતા તેમને નીચે ઉતારવા ક્રેનની મદદ લેવી પડી હતી. ગુરજીતસિંહ નીચે ઉતરતા જ નારેબાજી કરવા લાગ્યા હતા અને દાવો કર્યો હતો કે આ ધરણામાં તેમની જીત થઈ છે.
ગુરજીતસિંહને 400 ફૂટ ઉંચા ટાવરેથી નીચે ઉતારવા સહેલું કામ નહોતું, આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર ફાઈટરની અનેક ટીમો, પોલીસ તૈનાત કરવી પડી હતી. ફાયર ફાઇટર્સ માટે મોટો પડકાર 400 ફૂટ ઉંચાઈ સુધી પહોંચવાનો હતો. જોકે અંતે કલાકોની મહેનત બાદ ગુરજીતસિંહ નીચે ઉતરી ગયા હતા, તેઓ ચાર કે પાંચ દિવસ નહીં પણ 560 દિવસ એટલે કે આશરે 18 મહિના સુધી આ ટાવર પર રહ્યા હતા. તેમણે ટાવર પર જ પોતાનું એક નાનું ઘર બનાવી લીધું હતું.


