તિરાનાઃ આલ્બેનિયાની 57 વર્ષની અભિનેત્રી અનિલા બિશાને ત્રણ દસકાની કારકિર્દી દરમિયાન રંગમંચથી લઇને ફિલ્મી દુનિયામાં મોટી નામના મેળવી છે, પરંતુ આજે તે એક એવી ‘ભૂમિકા’ સાથે જીવવા મજબૂર છે, જે તેણે ક્યારેય ભજવી જ નથી. વાત એમ છે કે તે આલ્બેનિયાની પહેલી ‘એઆઇ મંત્રી’ બની ગઇ છે, પરંતુ તેની મરજી વગર જ. અનિલાએ પોતાની ઓળખ અને તસવીરના અધિકારોના ઉલ્લંઘન બદલ સરકાર પર 10 લાખ યૂરો (આશરે 9 કરોડ રૂપિયા)નો કેસ ઠોકી દીધો છે. જરૂર પડ્યે અનિલા સમગ્ર મામલો યુરોપિયન કોર્ટ સુધી લઇ જવા પણ તૈયાર છે.
અહીં સવાલ એ છે કે શું ટેક્નોલોજી કોઇ વ્યક્તિનો અવાજ અને ચહેરા પર તેની સંમતિ વગર કબજો જમાવી શકે? કાનૂની નિષ્ણાંતોનું માનવું છે કે આ કિસ્સો ‘ડીપફેક’ અને ‘એઆઇ એથિક્સ’ના મામલે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ બની રહેશે.
એક ‘મદદ’ બની ગઇ મુસીબત
વર્ષ 2025ના પ્રારંભે અનિલાએ સરકારને એક ઇ-સેવા પોર્ટલ માટે પોતાનો ચહેરો અને અવાજ આપવાનો કરાર કર્યો. તેણે કલાકો સુધી ઉભા રહીને અટક્યા વગર વાત કરી કે જેથી ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ’ સાચુકલો લાગે. ‘દિએલા’ નામનો આ બોટ સુપરહિટ થયો. તેણે લાખો લોકોને મદદ કરી અને હજારો કાગળ ઇસ્યુ કર્યા.
જ્યારે ‘બોટ’ દિએલાને બનાવી દીધી ‘મંત્રી’
સરકારે જોયું કે ચેટ બોટને પ્રચંડ સફળતા મળી છે, અને સપ્ટેમ્બર 2025માં સમગ્ર ઘટનાક્રમમાં નાટ્યાત્મક વળાંક આવ્યો. વડાપ્રધાન એ.ડી. રામાએ જાહેર કર્યું કે તેઓ પબ્લિક પરચેઝ મંત્રી તરીકે ‘દિએલા’ની નિમણૂક કરી રહ્યા છે. સરકારનું કહેવું હતું કે ‘એઆઇ મંત્રી’ હોવાથી સરકારી ટેન્ડરોમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. જોકે આ બદલાવ અનિલાને પૂછ્યા વગર થયો. અનિલાનું કહેવું છે કે તેનો ડિજિટલ ક્લોન અવતાર સંસદમાં એવી વાતો કરી શકે છે કે જે વિચારો સાથે તે વ્યક્તિગત રીતે કદાચ ક્યારેય સંમત ના હોય કેમ કે મંત્રી તો સરકારની વિચારધારા રજૂ કરતા હોય છે.
‘મંત્રી ગર્ભવતી છે, 83 સંતાન પેદા કરશે’
અનિલા કહે છે, એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વડાપ્રધાન એ.ડી. રામાએ જ્યારે મજાક કરતાં એમ કહ્યું કે દિએલા ‘ગર્ભવતી’ છે. તે બહુ જલ્દી 83 સંતાનને જન્મ આપશે ને સંસદના દરેક સભ્ય માટે એક એઆઇ આસિસ્ટન્ટ પેદા કરશે ત્યારે મને આ બેહદ ‘શરમજનક’ લાગ્યું. આ પછી અનિલાએ નક્કી કર્યું કે તે બસ, હવે બહુ થયું. આ મામલે તે હવે ચૂપ નહીં બેસી રહે કેમ કે સમગ્ર મામલો પર્સનલ ડેટાના ઉલ્લંઘન કરતાં પણ આગળ વધીને વિચારધારા અને માનવ અસ્મિતાનો મુદ્દો બની ગયો હતો.


