‘નાસા’ના ‘પર્સીવિયરન્સ’ રોવરે મંગળ ગ્રહની પર સપાટી તળે દટાયેલી સૌથી જૂની નદીની સિસ્ટમ પૈકી એકના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. આ શોધથી એવી પૂર્વધારણાને વેગ મળે છે કે મંગળ પર એક સમયે પુષ્કળ પાણી હતું. જીવન માટે પાણી જરૂરી હોવાથી આવી શોધ એવી શક્યતા પણ મજબૂત બનાવે છે કે લાલ ગ્રહ પર એક સમયે જીવન અસ્તિત્વમાં હોઈ શકે. 2020માં લોન્ચ થયેલા રોવરે જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતા જે ક્ષેત્રમાં શોધ કરી છે ત્યાં એક સમયે તળાવ હોવાનું મનાય છે. રોવર લગભગ 6.1 કિલોમીટરના ક્ષેત્રમાં ફર્યું હતું અને આધુનિક સાધનો વડે મંગળની જમીનનું વિશ્લેષણ કર્યું હતું. મિશન અંતર્ગત હવે સુક્ષ્મજીવી જીવન માટે અનુકૂળ હોય તેવા પ્રાચીન વાતાવરણના સંકેત શોધવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આ શોધ માટે જમીનના પેટાળનો તાગ મેળવતી રડાર સિસ્ટમ રિમફેક્સ નામનું સાધન મહત્ત્વનું સાબિત થયું છે. આ સાધન જમીનની નીચે ઊર્જાના તરંગો મોકલે છે અને પેટાળમાં ટકરાઇને પરત ફરતા તરંગોનું વિશ્લેષણ કરીને જમીન નીચેની સંરચનાનો નકશો બનાવે છે.


