‘મહાભારત’ અને ચાણક્યના અર્થશાસ્ત્રને યૂનેસ્કોની યાદીમાં સ્થાન

Wednesday 18th November 2026 08:05 EST
 
 

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા મહાકાવ્ય અને ઐતિહાસિક ધાર્મિક ગ્રંથ મહાભારત સહિત ત્રણ ગ્રંથોની પાંડુલિપિઓને યૂનેસ્કોએ પોતાના સ્મૃતિ રજિસ્ટરમાં સામેલ કર્યા છે. ‘મહાભારત’ ઉપરાંત યાદીમાં કલ્હણ દ્વારા બારમી સદીમાં રચિત ઐતિહાસિક ગ્રંથ ‘રાજતરંગિણી અને શાસન’ તેમજ રાજ્ય સંચાલન ઉપર આધારિત ‘કૌટિલ્યના અર્થશાત્ર’નું નામ સામેલ છે. આ ગ્રંથોને યૂનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટરમાં સામેલ કરાયા છે.

પીઆઈબી સંસ્કૃતિએ એક્સ ઉપર આ ઘોષણા કરતાં યૂનેસ્કોના પ્રમાણપત્રની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં જણાવાયું છે કે, ભારત માટે અત્યંત ગર્વની ક્ષણ છે. રાજતરંગિણી, મહાભારત અને અર્થશાત્રને યૂનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટરમાં સામેલ કર્યા છે. આ ભારતના સમૃદ્ધ સભ્યતાગત વારસાને વૈશ્વિક સ્તરે માન્યતા મળવાની દિશામાં સિમાચિહ્ન રૂપ ઉપલબ્ધિ છે.

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસે (આઇજીએનસીએ) કહ્યું હતું કે આ નિર્ણય ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજીત મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટરના 11મા સત્રમાં લેવામાં આવ્યો હતો. એક અધિકારી અનુસાર ત્રણેય કાર્ય માટે નામાંકન દસ્તાવેજ તૈયાર કરવામાં આઈજીએનસીએએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્રણેય ગ્રંથોનો યૂનેસ્કોની યાદીમાં સમાવેશ થવો તે ભારતની ઐતિહાસિક સ્મૃતિ, ધર્મની શાશ્વત અવધારણા અને રાજ્ય સંચાલનની સમૃદ્ધ પરંપરને આતંરરાષ્ટ્રીય સ્તરે મળેલી માન્યતા છે. આ નવીન ઉપલબ્ધિ સાથે રિજનલ રજિસ્ટરમાં નોંધાયેલી ભારતની કૃતિઓની કુલ સંખ્યા છએ પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter