કેનેડામાં ભારત, તિબેટ, તાઇવાનના નાગરિકો દ્વારા ચીનવિરોધી દેખાવો

Wednesday 05th August 2020 07:23 EDT
 
 

ટોરોન્ટો: કેનેડાના ટોરોન્ટો ખાતે ભારત, તિબેટ, તાઈવાન, વિયેટનામના પ્રવાસી નાગરિકોએ ચીન દ્વારા થઈ રહેલા દમન અને માનવાધિકારના ભંગ સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને સમસ્યાના સમાધાન માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ ધરણા - વિરોધ પ્રદર્શનમાં કેનેડા, હોંગ કોંગ, બાંગ્લાદેશના લઘુમતી સંગઠન ઉપરાંત કેનેડામાં વસી રહેલા ભારતીય, તિબેટિયન, વિયેતનામ, અને તાઈવાનના લોકોએ ભાગ લીધો હતો.
દેખાવકારોના હાથમાં અમેરિકા, તિબેટ અને ભારતના રાષ્ટ્ર ધ્વજ જોવા મળતા હતા. ચીન વિરોધી દેખાવ કરી રહેલા લોકોએ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારો ચીની સરકારનો વિરોધ કરી રહેલા સૂત્રો લખેલા પ્લેકાર્ડ અને બેનર્સ સાથે દેખાવો કરી રહ્યા હતા.
ચીનની સામ્યવાદી પાર્ટી દ્વારા ઉઈઘુર મુસ્લિમ સમુદાયના થઈ રહેલા દમન સામે પણ દેખાવકારો વિરોધ નોંધાવી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા એક દેખાવકર્તાએ જણાવ્યું હતું કે, ‘ભારત કે પૃથ્વી પરનો સૌથી મહાન લોકશાહી દેશ છે. હું ઇચ્છું છું કે વડા પ્રધાન મોદી, વિશ્વ સમક્ષ ચીનનો સામનો કઈ રીતે કરવો તેનું ઉદાહરણ મૂકે.’

ચીન મામલે યુએસના રિપબ્લિકન - ડેમોક્રેટ નેતાઓ ભારતના સમર્થનમાં

ચીન લદાખ સરહદે આક્રમકતા બતાવી રહ્યું તે મુદ્દે અમેરિકામાં ભારતનું સમર્થન વધવા લાગ્યું છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક - બંનેના સાંસદોએ ભારતના સમર્થનમાં નિવેદનો આપીને સરકારને સૂચન કર્યું હતું કે આ મુદ્દે ભારતનું સમર્થન કરવું જોઈએ. ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે તંગદિલી સર્જાઈ તે મુદ્દે અમેરિકાના સાંસદો  ચીનને જવાબદાર ઠેરવે  છે. બંને પક્ષના સાંસદો અને નેતાઓ માને છે કે ચીન-ભારતના મુદ્દે ટ્રમ્પ સરકારે ભારતનું સમર્થન કરવું જોઈએ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ એમ બંનેના નેતાઓએ ભારતના વલણની પ્રશંસા કરી ચીનની ટીકા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter