હડર્સફીલ્ડમાં રહેતા પૌલ હર્સ્ટને ગત ગુરૂવારે તા. ૩ના રોજ ફોન કરીને ગઠીયાઅો ટોકટોક કંપનીમાંથી બોલું છું અને ઇન્ટરનેટ અને ફોનમાં ગરબડ બદલ તમને £૨૦૦નું વળતર આપવાનું છે તેમ જણાવી બેન્ક એકાઉન્ટ ડીટેઇલ અને કોમ્પ્યુટરના પાસવર્ડ મેળવી પરિવારના બેન્ક ખાતામાંથી £૪,૭૦૦ ચોરી લીધા હતા. પોલીસે આવા ફોન કરીને લુંટ ચલાવતા દેશવ્યાપી ગઠીયાઅોથી સાવચેત રહેવા જણાવ્યું છે.
૫૮ વર્ષના પૌલે જણાવ્યું હતું કે 'છ કલાક સુધી ગઠીયાઅોએ તેને વાતોમાં પરોવીને બેન્ક એકાઉન્ટની માહિતી અને કોમ્પ્યુટર ચાલુ કરાવી તેનો એકસેસ મેળવી લીધો હતો.' ચોરોએ જણાવ્યું હતું કે 'અમે તારા ઇન્ટરનેટ અને ફોનમાં તકલીફ છે અને વાયરસ દુર કરવા અમારે તારા કોમ્પ્યુટરનો એક્સેસ જોઇએ છે. તારો સમય લેવા બદલ અને આ તકલીફ બદલ અમે તને £૨૦૦નું વળતર આપનાર છીએ' ચબરાક ચોરોની વાતોમાં આવી ગયેલા પૌલે કોમ્પયુટનો એકસેસ આપતાં તેમણે નાણાં ચોરી લીધાં હતાં.
પૌલે જણાવ્યું હતું કે 'તેમની પાસે મારુ નામ અને ફોન નંબર હતા. સાચું કહું તો હું મુરખો હતો અને તેઅો ખૂબજ ચાલાક હતા. મારા ફોન અને બ્રોડબેન્ડમાં તકલીફ હતી તેથી હું ચિંતીત હતો.' પૌલ આ ગઠીયાઅોથી એટલા અકળાઇ ગયા હતા કે તેમણે પોતાના લેપટોપને હથોડો મારીને ભાંગી નાંખ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે. તાજેતરમાં જ કૌભાંડીઅોએ બાર્બરા અને હેરોલ્ડ મેનલી નામના રોચેસ્ટર, કેન્ટના યુગલને ફસાવીને £૮૭૦૦ ચોરી લીધા હતા.
ટોકટોકના પ્રવક્તાએ આ ગ્રાહકની ગુપ્ત વાત હોવાથી કશું પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ આવા કૌભાંડથી બચવા જણાવ્યું હતું. 'અમે ગ્રાહકોને આવા ફોન કરતા કૌભાંડીઅોથી બચવા વારંવાર પત્ર અને ઇમેઇલ દ્વારા ચેતવણીઅો આપીએ છીએ તેમ જણાવ્યું હતું.'

