જોકે, ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈએ અત્યાર સુધી એકત્ર ભંડોળને જાહેર કર્યુ ન હતુ. ગાંધીપ્રતિમાની પૂર્ણતા અને ભંડોળ ઉઘરાવવા અંગે તેમણે જણાવ્યું હતું કે,‘મને ગઈ કાલે જ ભારતથી કોઈનો ટેલીફોન આવ્યો હતો અને તેમણે મને છ આંકડાની રકમના દાનનું વચન આપ્યું હતું. તેઓ સારા મિત્ર છે. વાત ચારે તરફ ફેલાઈ રહી છે. અમને દાતાઓ તરફથી સારું સમર્થન મળી રહ્યું છે. અમને ઘણી બાંયધરી મળી છે અને આપણી વેબસાઈટ દ્વારા પણ નાણા આવી રહ્યા છે. મેં હાઉસ ઓફ લોર્ડ્સમાં મારા સાથીઓને પણ પત્રો લખ્યા છે અને તેઓ પણ મદદ કરી રહ્યા છે.’
ઐતિહાસિક પાર્લામેન્ટ સ્ક્વેરમાં આ ગાંધીપ્રતિમા મૂકવાની યોજના જુલાઈ મહિનામાં બારતની મુલાકાતે આવેલા ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને તત્કાલીન ફોરેન સેક્રેટરી વિલિયમ હેગ દ્વારા જાહેર કરાઈ હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦ જાન્યુઆરીએ ગાંધીપ્રતિમાનું અનાવરણ કરાય તે માટે પ્રયાસ થતાં હોવાને ફોરેન મિનિસ્ટ્રીએ સમર્થન આપ્યું છે. જોકે, PMO દ્વારા હજુ કોઈ પુષ્ટિ અપાઈ નથી. દરમિયાન લોર્ડ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રતિમા અનાવરણ માટે તૈયાર હોય તે માટે તેઓ આશાવાદી છે, પરંતુ અનાવરણની ચોક્કસ તારીખ આપવાનું તેમના માટે મુશ્કેલ છે. તેમની કામગીરી ભંડોળ એકત્રિત કરવા સુધી મર્યાદિત છે.
ઉદાર હાથે દાન આપનાર યુકેસ્થિત ભારતીય ઉદ્યોગસાહસિક દીપક યાદવે જણાવ્યું હતું કે યુવાન લોકોએ આગળ આવી દાન કરવું જોઈએ કારણ કે તેઓ આ ગૌરવ અને ભવિષ્ય સંબંધિત રોકાણ હોવાનું માને છે.
પ્રખ્યાત બ્રિટિશ શિલ્પકાર પીટર જેકસને મહાત્મા ગાંધીની ચોક્કસ ઈમેજ પસંદ કરવા વિશે જણાવી કહ્યું હતું કે પ્રસિદ્ધ અર્થસાસ્ત્રી લોર્ડ દેસાઈ અને ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈએ આપેલી તસવીરો અને પુસ્તકોથી તેમને ઘણી મદદ મળી હતી. તેમણે ગાંધીપ્રતિમાને નિર્ણયાત્મકતા વ્યક્ત કરતી દર્શાવી છે. તેઓ તાજેતરમાં ગોપાલકૃષ્ણ ગાંધીને મળ્યા ત્યારે તેમણે ગાંધીજીની દૃઢનિશ્ચયી ગુણ વિશે જણાવ્યું હતું. પ્રતિમાને હાલ કાંસ્ય બીબામાં ઢાળવાની પ્રક્રિયા ચાલે છે અને ૨૦૧૫ના આરંભે સૂચિત અનાવરણ માટે તૈયાર થઈ જશે.