ઓસ્ટ્રિયાના પ્રખ્યાત પેન્ટર ગુસ્તાવ ક્લિમ્ટનું એક પેઇન્ટિંગ વિક્રમજનક 236.4 મિલિયન ડોલર એટલે કે 20 અબજ, 93 કરોડ 64 લાખ રૂપિયા કરતાં વધારે કિંમતે વેચાયુ છે. આ સાથે જ આ પેઇન્ટીંગ કોઇપણ ઓક્શનમાં સૌથી ઊંચી કિંમતે વેચાયેલી બીજા ક્રમની કલાકૃતિ બની ગઇ છે. સાથે સાથે જ આ ચિત્રએ મોર્ડન આર્ટ કેટેગરીમાં વેચાયેલા સૌથી મોટા પેઇન્ટિંગનો ખિતાબ પણ મેળવ્યો છે. ‘પોર્ટ્રેઇટ ઓફ એલિઝાબેથ લેડેરર’ નામક છ ફૂટ ઊંચું આ પેઇન્ટિંગ ગુસ્તાવ ક્લિમ્ટે 1914થી 1916ની વચ્ચે બનાવ્યું હતું. 18 નવેમ્બરે રાત્રે ન્યૂ યોર્કના સોથબી ઓક્શન હાઉસમાં આ પેઇન્ટિંગ માટે કુલ છ લોકોએ બોલી લગાવી હતી અને 20 મિનિટ સુધી ઓક્શન ચાલ્યું હતું. છેવટે આ ચિત્ર 236.4 મિલિયન ડોલરનું વેચાયાનું જાહેર થયું હતું. જોકે આ પેઇન્ટીંગ આટલી તોતિંગ કિંમતે કોણે ખરીદયું છે તેના નામનો કોઇ ખુલાસો કરાયો નથી.


