અમેરિકાના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ અનુસાર, લોસ એન્જલસના બેલ-એયર વિસ્તારમાં સ્થિત આલીશાન ઘર 400 મિલિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે રૂ. 3,800 કરોડ)ની કિંમત સાથે ‘સૌથી મોંઘું લિસ્ટિંગ’ બન્યું છે. મતલબ કે વેચાણ માટે મૂકવામાં આવેલા ઘરોમાં આ સૌથી મોંઘું છે. આ મકાનને ‘લોસ એન્જલસના ક્રાઉન જવેલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોપર્ટીની માલિકી કતરના શાહી પરિવાર (અલ-થાની પરિવાર) સાથે જોડાયેલી એક કંપની પાસે છે. તેણે આ જમીન 2010 માં લગભગ દસમા ભાગની કિંમતે ખરીદી હતી. આ મહાલયમાં અત્યાધુનિક જિમ, પિલાટે સ્ટુડિયો, સ્પા અને બ્યુટીસલૂન પણ છે. આ ‘મેગા-મેન્શન’ બનાવવામાં લગભગ 10 વર્ષ લાગ્યા હતા. આને જાણીતા આર્કિટેક્ટ પીટર મેરિનોએ ડિઝાઈન કર્યું છે.


