રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત ઈન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સવના પ્રથમ દિવસે જ બિકાનેરની ગલીઓ અને રેતાળ ધોરાઓ રાજસ્થાની સંસ્કૃતિના જીવંત રંગોથી ભરાઈ ગયા હતા. મહોત્સવ દરમિયાન શણગારેલા ઊંટોએ સંગીતના તાલે નૃત્ય અને સાહસિક કરતબો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉત્સવમાં ઊંટની દોડ, ઊંટના વાળ કાપવાની કળા (ફર કટિંગ) અને ઊંટ શણગાર જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને ખાટલા પર ઊંટના કરતબો અને ડાન્સ જોઈ દેશવિદેશના પ્રવાસીઓ રોમાંચિત થઇ ગયા હતા. તો પરંપરાગત પોશાક અને કલાત્મક પાઘડી અને સાફા ધારણ કરેલા રાજસ્થાની લોકકલાકારો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.


