ઉત્તર ભારતમાં શ્રાવણના પ્રારંભે... બાબા બૈદ્યનાથ ધામમાં શિવભક્તો ઉમટ્યા

Tuesday 04th August 2026 10:28 EDT
 
 

ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જ્યોતિર્લિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તસવીરમાં ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ ધામને જોઈ શકાય છે. તે હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે કારણ કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાની સાથે સાથે તે શક્તિપીઠોમાં પણ સ્થાન ધરાવે છે. શિવ પુરાણ અનુસાર, લંકાપતિ રાવણે હિમાલય પર કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. રાવણની ઈચ્છા હતી કે, શિવજી તેની સાથે લંકા ચાલે. શિવજીએ તેને એક જ્યોતિર્લિંગ આપ્યું પણ એક શરત મૂકી કે, જો યાત્રા દરમિયાન આ લિંગને જમીનું પર મૂકવામાં આવશે તો તે ત્યાં જ કાયમી સ્થાપિત થઈ જશે. રાવણ શિવલિંગ લઈને લંકા તરફ જતો હતો ત્યારે દેવઘર પાસે ભગવાન વિષ્ણુની માયાથી તેને લઘુશંકાની જરૂરિયાત ઊભી થઈ. રાવણે શિવલિંગ ભરવાડના વેશમાં ઊભેલા ભગવાન ગણેશજીને સાચવવા આપ્યું. ગણેશજીએ તે શિવલિંગને જમીન પર મૂકી દીધું. શરત મુજબ, તે ત્યાં જ સ્થાપિત થઈ ગયું. જે આજે બાબા બૈદ્યનાથ ધામ તરીકે ઓળખાય છે. માન્યતા છે કે, અહીં સતી માતાનું હૃદય પડયું હતું. તેથી આ સ્થાન હૃદય પીઠ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે, શિવ મંદિરો પર ત્રિશૂળ હોય છે ત્યારે, બૈધનાથ મંદિરના શિખર પર સોનાનું પંચશૂળ સ્થાપિત છે. જેને સુરક્ષા કવચ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter