તમિલનાડુના મહાબલીપુરમમાં આવેલો ‘ભીમ રથ’ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પકળાનું અદભૂત ઉદાહરણ છે. આ સુપ્રસિદ્ધ પંચ રથ પરિસરમાં આવેલા પાંચ પૌરાણિક સ્મારકોમાંનો એક છે. આ તમામ સ્મારકોને વિશાળ ખડકોને કોતરીને તરાશવામાં આવ્યા છે. આ નમૂનેદાર સ્મારકોનું નિર્માણ આઠમી સદીમાં પલ્લવ વંશના શાસક નરસિંહવર્મન પ્રથમના શાસનકાળ દરમિયાન થયું હોવાનું મનાય છે. ભીમ રથનું માળખું લંબચોરસ છે અને તેની છત પરંપરાગત બળદગાડાના આકારથી પ્રેરિત હોવાનું દેખાઇ આવે છે. ભીમ રથની આ ડિઝાઇન જ તેને અન્ય રથો કરતાં અલગ ઓળખ આપે છે. ઉલ્લેખનીય છે કે શિલ્પ-સ્થાપત્યનો બેનમૂન વારસો ધરાવતું મહાબલીપુરમ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે.


