ઓસ્ટ્રેલિયાના ક્રિસમસ આઇલેન્ડ પર ચોમાસાના પહેલા ભારે વરસાદ સાથે જ અંદાજે 10 કરોડ કરતાં વધુ રેડ ક્રેબ (લાલ કરચલા)નું વાર્ષિક સ્થળાંતર શરૂ થતાં ટાપુના મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ કરચલાઓ દર વર્ષે જંગલમાંથી બહાર નીકળી પ્રજનન અને ઈંડા મૂકવા માટે દરિયાકિનારા તરફ કૂચ કરે છે. કરચલાઓને વાહનોની અડફેટે આવતા બચાવવા પાર્ક્સ ઓસ્ટ્રેલિયા નામની સંસ્થા દ્વારા કિલોમીટર સુધી ખાસ આડશો ઉભી કરાઇ છે અને અંડરપાસ તથા કામચલાઉ બ્રીજ પણ બનાવવામાં આવ્યા છે. દરિયાઇ પાણીના સંપર્કમાં આવતા જ ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે. વિશ્વભરના લોકો લાઇવસ્ટ્રીમ અને રૂબરૂ મુલાકાત દ્વારા આ અદભૂત કુદરતી ઘટના નિહાળી રહ્યા છે.


