વિશ્વભરના ફૂટબોલ ચાહકોના માટેના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે એક નજર પ્રકૃતિના ‘વિશ્વ કપ’ પર પણ નજર ફેરવવા જેવી છે. કોપા ડેલ મુંડો નામની આ પ્રસિદ્ધ ખડકાળ રચના બોલિવિયાના અટોચા પ્રદેશ નજીક આવેલા વેલી ઓફ ધ રોક્સમાં આવેલી છે. આ રચના અદ્દલ ફૂટબોલ વિશ્વ કપ ટ્રોફી જેવી દેખાતી હોવાથી આ પ્રદેશમાં સૌથી વધુ ફોટોગ્રાફ અહીં ખેંચાય છે. આ સમગ્ર પ્રદેશ તેના શાનદાર જ્વાળામુખીય ખડકોના નજારા માટે જાણીતો છે, જેને વીતેલા લાખો વર્ષોમાં હવાના ઘર્ષણે ચિત્રવિચિત્ર આકાર આપ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે અહીંનું દૃશ્ય ખૂબ જ મનમોહક થઇ જાય છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી 4000 ફૂટ ઊંચે આવેલું છે.


