ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં આવેલા શ્રીનગરના સુપ્રસિદ્ધ ડલ લેકમાં તમારે સવારે નજર કરો તો એક વિદેશી મહિલા એકલપંડે બોટમાં ફરતાં ફરતાં પ્લાસ્ટિકની બોટલો સહિતના કચરો સાફ કરતાં જોવા મળશે. તેમનું નામ છે એલિસ સ્પેંડરમેન. 69 વર્ષીય નેધરલેન્ડથી 25 વર્ષ પહેલા ભારત ફરવા આવ્યાં હતાં ત્યારથી તેમના દિલમાં ભારત વસી ગયું હતું. આમાં પણ 5 વર્ષ પહેલાં જ્યારે તેઓ શ્રીનગર આવ્યાં પછી તો પાછાં ફર્યાં જ નથી. અહીંની સુંદરતા તો તેમને બહુ ગમી, પરંતુ ડલ લેકની ગંદકી નહીં. બસ પછી તો જોઇએ જ શું? એક હોડી લીધી અને સફાઇકામ શરૂ કરી દીધું. બસ, તે દિવસથી તેઓ નિયમિત સફાઈકામ કરે છે. આસપાસના વિસ્તારમાં સાઈકલ પર ફરીને લોકોને અને પ્રવાસીઓને કચરો ન ફેલાવવા માટે સમજાવે છે. આજે લોકો તેમને ‘ડલ લેકનાં માતા’ તરીકે ઓળખે છે. ઉલ્લેખનીય છે કે શ્રીનગરની લાઇફલાઇન ગણાતું ડલ લેક ગંદકી અને દબાણને કારણે સતત સંકોચાઈ રહ્યું છે. ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 2018માં તૈયાર કરેલા એક રિપોર્ટ અનુસાર, આ તળાવનો ઘેરાવો 22 કિમીથી ઘટીને 10 કિલોમીટર થઇ ગયો છે.