બ્રિટનમાં એક રસપ્રદ પણ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લિંકનશાયરના ગ્રિમ્સબીમાં રહેતી 56 વર્ષીય નિકોલા એડવર્ડ્સ નામની મહિલાએ ગાઢ ઊંઘમાં જ લગભગ 3000 પાઉન્ડથી વધુનું ઓનલાઇન શોપિંગ કરી નાંખ્યું હતું! આ વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે. આ ઘટનાને ‘સ્લીપ શોપિંગ’ કહેવામાં આવે છે, જે સ્લીપ વોકિંગ (ઊંઘમાં ચાલવું)નું આધુનિક સ્વરૂપ છે. નિકોલાએ ઊંઘમાં જ ફોન અનલોક કરીને ઢગલાબંધ વસ્તુઓ ઓર્ડર કરી દીધી હતી. મોબાઇલમાં સેવ કરેલી કાર્ડ ડિટેઇલ્સ અને સરળ પાસવર્ડને કારણે ટ્રાન્ઝેક્શન સફળ રહ્યા હતા. સવારે જ્યારે ઘરની બહાર પાર્સલનો ઢગલો જોયો ત્યારે તેને આ ભૂલનો અહેસાસ થયો. ભવિષ્યમાં આવા સ્લીપ શોપિંગથી બચવા માટે હવે તેણે રાત્રે સૂતી વેળાં ફોન દૂર રાખવાનું અને શોપિંગ એપ્સમાં સેવ કરેલી કાર્ડ ડિટેઇલ્સ દૂર કરવાનું શરૂ કર્યું છે.


