પોષી પૂર્ણિમાના પાવન પ્રસંગે તીર્થરાજ પ્રયાગમાં શનિવારથી માઘ મેળાનો પ્રારંભ થયો છે. આગામી મહાશિવરાત્રિ સુધી ચાલનારા માઘ મેળામાં કરોડો ભાવિક ભક્તો સ્નાન કરવા આવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. કુંભનગરીમાં લાખો કલ્પવાસીઓએ આવી ગયા છે. સંત-મહંતોના અખાડા અને આશ્રમો ધમધમી રહ્યા છે. મેળામાં સુરક્ષાની ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે 22 લાખ કરતા વધારે ભાવિકોએ પવિત્ર સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મધરાતથી જ ગાત્રો થીજવી દે તેવી ઠંડી અને ધુમ્મસના પ્રકોપ વચ્ચે પવિત્ર સંગમ ખાતે સ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તે ઉપરાંત મોટી સંખ્યામાં સત-મહંતોએ પણ સંગમમાં ડુબકી લગાવી અર્ધ્ય આપ્યો હતો.


