ભારતીય સેનાનાં મહિલા અધિકારી મેજર સ્વાતિ શાંતા કુમારને યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા સન્માનિત કરાયાં છે. તેમને દક્ષિણ સુદાનમાં તૈનાતી દરમિયાન લિંગ સમાનતા અને શાંતિ સ્થાપનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ એનાયત થયો છે. સ્વાતિ કુમારની કારકિર્દી ખૂબ રોમાંચક રહી છે. 2016માં બેંગલૂરુમાંથી એન્જિનિયરિંગ કર્યું તે પછી તેમને આઈબીએમમાંથી તગડા પગાર સાથે જોબ ઓફર મળી હતી. જોકે તેઓ ભારતીય સેનામાં જ જોડાવા તત્પર હતા. તેમનો દૃઢ નિર્ધાર અને દેશસેવા કરવાની પ્રતિબદ્ધતા રંગ લાવી. આજે તેઓ ભારતીય સેનામાં મેજર છે અને દક્ષિણ સુદાનમાં ફરજ બજાવવાની સાથોસાથ શાંતિદૂત તરીકે આગવી ઓળખ ધરાવે છે.


