જગવિખ્યાત લક્ઝરી બ્રાન્ડ શૈનલે ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ‘લાઈફસ્ટાઈલ ઓબ્જેક્ટ’ એટલે કે હીરાજડિત ચેસ સેટ રજૂ કર્યો છે. 4.1 મિલિયન ડોલર (આશરે રૂ. 38 કરોડ)નો આ શતરંજ સેટ સ્વાભાવિક છે કે સામાન્ય તો ન જ હોય. પૂરા ત્રણ વર્ષની આકરી મહેનતના અંતે કલાનો આ બેનમૂન નમૂનો તૈયાર થયો છે. આ શતરંજમાં 110 કેરેટથી વધુના કુલ 9,200થી વધુ રત્નો છે. અને હા, તેના મહોરાં માત્ર રમવા માટે નથી, તેને પેન્ડેન્ટની જેમ ચેઈન સાથે જોડીને ગળામાં પહેરી પણ શકાય છે. સેટના ભાગરૂપ વ્હાઈટ ક્વીનનું સિગ્નેચર ‘ટ્વીડ જેકેટ’ 842 હીરાથી સજ્જ છે તો બ્લેક ક્વીન 193 હીરાથી શોભે છે. બેઝની નીચે એક ગુપ્ત ઘડિયાળ છુપાયેલી છે, જે શૈનલના ‘સિક્રેટ વોચ’ વારસાના પ્રતિકસમાન છે.


