ફ્રાન્સના શાર્ત્રમાં આવેલા અને ‘હાઉસ ઓફ અ મિલિયન પીસીસ’ તરીકે વિખ્યાત લા મેજોં પિકાસિએટ માનવીય ઝનૂન અને રચનાત્મક્તાનું અદભૂત પ્રતીક છે. મોઝેક કળાનો આ બેનમૂન નમૂનો રેમન્ડ ઇસિદોરે 1930થી 1964ના અરસામાં તેમની અથાક મહેનત વડે તૈયાર કર્યો છે. એક સાધારણ સરકારી કર્મચારી હોવા છતાં ઇસિદોરે તેમના પોતાના સપનાંઓને કંડારવા માટે તૂટેલા કાચ અને સિરામિકના તેમજ ફેંકી દેવાયેલી નકામી વસ્તુઓના લાખો ટુકડાઓ એકઠાં કર્યા અને તેને મોઝેક કળાના ઉત્તમ નમૂનામાં બદલી નાંખ્યા. ઘરની દિવાલો, ફર્શ, છત, ફર્નિચર જ નહીં, બગીચો સુદ્ધાં એવો કાળજીપૂર્વક કંડાર્યો કે સમગ્ર સંકુલ જાણે આર્ટ ગેલેરીની જેમ ધબકી ઉઠ્યું. અહીં દરેક ટુકડો જાણે એક કહાની રજૂ કરે છે.


