પેરિસઃ છેલ્લા ઘણા સમયથી ભારતમાં લગ્નપ્રસંગે અઢળક નાણાં ખર્ચવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આપણને લાગી રહ્યું છે કે, ભારતમાં જ લગ્નમાં ભારે ખર્ચ કરાય છે પરંતુ, ના, તેવું નથી. બીજા પણ એવા દેશો છે, જ્યાં લગ્ન પાછળ ખર્ચમાં કોઈ કમી કરાતી નથી. ફ્રાન્સનું જ ઉદાહરણ લઈ લો. અહીં યોજાતા લગ્નમાં વેડિંગ કેકનો ખર્ચ જ 20,000 (રૂ. 18 લાખ)થી શરૂ થઈને 1 લાખ યુરો (રૂ. 90 લાખ) સુધીનો થતો હોય છે. આ માહોલના લીધે ફ્રાન્સના પેસ્ટ્રી શેફ્સને તો જાણે લોટરી લાગી છે. આમાં પણ જાણીતા પેસ્ટ્રી શેફ બેસ્ટિયન બ્લેટુલેર તેમની અલ્ટ્રા-લક્ઝરી વેડિંગ કેકના મામલે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. પેરિસના સાઉથ-વેસ્ટમાં આવેલા સેન્ટ-રેમી-લેસ-શેવરુસે સ્થિત પોતાના સ્ટુડિયોમાં તેમણે તૈયાર કરેલી વેડિંગ કેકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તેઓ વેડિંગ કેકને ફેશનની હોટ ફૂટર સાથે સરખાવે છે. જેમાં, દરેક કેક કસ્ટમાઈઝેશન સાથે આર્ટવર્ક સમાન હોય છે. તેમની કસ્ટમ મેડ કેકની કિંમત ઉપર જણાવ્યું તેમ 20 હજાર યુરોથી શરૂ થાય છે અને જ્યારે, સ્પેશિયલ ડિઝાઈનર કેકની કિંમત 1 લાખ યુરો સુધી પહોંચે છે.
પેસ્ટ્રી શેફ બેસ્ટિયન બ્લેટુલેર કહે છે તેમ આ પ્રકારની કેક બનાવવામાં અઠવાડિયાથી વધુનો સમય લાગે છે. જેમાં, ઉચ્ચ કક્ષાની કારીગીરી, ઝીણવટભરી ડિઝાઈન અને ક્યારેક આર્કિટેક્ચરલ પ્રેરણા જોવા મળે છે. દરેક કેકને ખાવા યોગ્ય આર્ટવર્ક તરીકે રજૂ કરાય છે. આ પ્રકારની હાઈ-એન્ડ કેક મુખ્યત્વે સેલિબ્રિટી લગ્નો અને પ્રીમિયમ ઇવેન્ટ્સ માટે બનાવાય છે. આવા ઈવેન્ટ્સમાં પર્સનલ ટચ અને લક્ઝરીને પ્રાથમિકતા અપાતી હોય છે. ફ્રાન્સ વિશ્વભરમાં પેસ્ટ્રી આર્ટ માટે જાણીતું છે. અહીં, મીઠાઈ માત્ર સ્વાદ સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ લક્ઝરી અને આર્ટનું અનોખું મિશ્રણ બની જાય છે.


