લ્હાસાઃ ચીન છેલ્લા ઘણા વર્ષોથી તિબેટની સાચી ઓળખ ખતમ કરવાના તમામ પ્રયાસો કરતું આવ્યું છે. હવે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના માનવાધિકારના રિપોર્ટમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના તિબેટયનો વિરૂદ્ધ નવા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
તિબેટીયન મીડિયાના રિપોર્ટ અનુસાર, જિનિવામાં પ્રસિદ્ધ થયેલા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દસ લાખ તિબેટિયન બાળકો વિશે ચિંતા વ્યકત કરવામાં આવી છે. આ બાળકોને ચીની સ૨કારે તેમના પરિવારથી દૂર કરી દીધા છે. હાલમાં તેમને કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સંચાલિત બોર્ડિંગ સ્કુલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું બ્રેઇન વોશ કરીને તેમને તિબેટની ભાષા, સંસ્કૃતિ અને ઓળખથી દૂર કરવામાં આવી રહ્યા છે.
યુએનના રિપોર્ટમાં ચીનની દમનકારી નીતિઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તિબેટના શૈક્ષણિક, ધાર્મિક અને ભાષાકીય સંસ્થાઓ પર ચીની સરકાર દ્વારા કરવામાં આવેલું આક્રમણ તિબેટની ઓળખને ઈતિહાસના ચોપડામાંથી ભૂસવાનું એક મોટું ષડયંત્ર છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તિબેટયન બાળકોને બોર્ડિંગ સ્કુલમાં ભર્તી કરાવીને તેમને તિબેટની સંસ્કૃતિથી અલગ કરવામાં આવી રહ્યા છે. ચીની સરકાર દ્વારા બનાવવામાં આવેલી બોર્ડિંગ સ્કુલોમાં શૈક્ષણિક સામગ્રી અને પર્યાવરણ ચીનમાં બહુમતી ધરાવતી હાન સંસ્કૃતિની નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહીં, તિબેટિયન બાળકોને તેમના પ્રાસંગિક તિબેટિયન પરંપરાઓ અને સંસ્કૃતિથી દૂર કરીને ત્યાંની મેન્ડેરિન ચીની ભાષામાં ચીનનો જ ઈતિહાસ શિખવાડવામાં આવે છે. આ સાથે જ, ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા 10 લાખ વિદ્યાર્થીઓનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ બોર્ડિંગ સ્કુલોમાં ભણી ૨હેલા 10 લાખ વિદ્યાર્થીઓનું તેમની માતૃભાષા પરથી પ્રભુત્વ ખતમ થઈ રહ્યું છે.