શાંઘાઇઃ લેગોની ગણતરી વિશ્વની સૌથી લોકપ્રિય અને ક્રિએટીવ ગેમ્સમાં થાય છે. 1932માં ડેન્માર્કમાં જન્મેલી રંગબેરંગી બ્રિક્સની દુનિયાએ બાળકો અને મોટાઓ એમ બન્નેના મનોરંજન અને કલ્પનાશક્તિને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લેગોની ખાસિયત એ છે કે તે ફક્ત એક ગેમ નથી. તે આર્ટ, એન્જિનિયરિંગ અને અનંત સંભાવનાની દુનિયા છે. લેગોલેન્ડના નામે ઓળખાતા લેગો થીમ્ડ પાર્ક્સ આ જ જાદુઇ દુનિયાને જીવંત બનાવે છે. આ સાથે જ તે લોકોને તેમના પ્રિય લેગો કેરેક્ટર્સ અને મોડેલ્સ સાથે જોડે છે.
ચીનના મહાનગરમાં ગયા શનિવારે આવું જ લેગોલેન્ડ શાંઘાઈ રિસોર્ટ ખૂલ્લું મૂકાયું છે. આ લેગો રિસોર્ટમાં 75થી વધુ ઇન્ટરેક્ટિવ રાઈડ્સ સામેલ છે. અહીં મુલાકાતીઓ લેગોથી બનેલા મિનિયેચર શહેરો, રોમાંચક એડવેન્ચર ઝોન અને થીમ્ડ હોટલ્સનો આનંદ લઈ શકશે. લગભગ 100 એકર વિસ્તારમાં ફેલાયેલું રિસોર્ટ અનેક રીતે ખાસ રહેશે.
લેગોની ફેનફોલોઈંગનું રહસ્ય છે ક્રિએટિવીટી. લોકો લેગો બ્રિક્સ દ્વારા પોતાની સર્જનાત્મક્તાનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. પછી ભલે તે કોઈ સ્ટ્રક્ચર હોય, સિટી હોય કે પછી પૌરાણિક દુનિયા. આ ઉપરાંત લેગો બાળકોમાં પ્રોબ્લેમ સોલ્વિગ, હેન્ડ-આઈ કોઓર્ડિનેશન અને એન્જિનિયરિંગ કૌશલ્યો ડેવલપ કરવામાં મદદ કરે છે. અને આ બધા ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે લેગો એક એવી ફેમિલી ટાઈમ ગેમ છે જે બધી ઉંમરના લોકોને એકસાથે રમવાની તક આપે છે.