100 વર્ષનાં દાદીમાંની પ્રેરણાદાયક કહાણી

Wednesday 20th December 2023 08:26 EST
 
 

ટોક્યોઃ હૈયે જો હામ હોય, મહેનત કરવાની ધગશ હોય તો ટીકાકારોના મોં બંધ કરવા મુશ્કેલ નથી. જાપાનનાં 100 વર્ષનાં ટોમોકો હોરિનોનું જ ઉદાહરણ લો ને... તેઓ 1960માં એક બ્યુટી બ્રાન્ડ સાથે જોડાયાં ત્યારે પાડોશીઓ તેમને મ્હેણાંટોણાં મારતા હતાં. જોકે તાજેતરમાં જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેને વિશ્વનાં સૌથી મોટી ઉંમરનાં બ્યુટી એડવાઈઝરનો એવોર્ડ એનાયત કર્યો છે. ટોમોકોએ કહ્યું કે, તેના જયારે લગ્ન થયાં ત્યારે જાપાનમાં એવી માન્યતા પ્રચલિત હતી કે, મહિલાઓની જવાબદારી ઘર સંભાળવાની જ છે અને તેમણે કામ કરવા માટે બહાર ન જવું જોઈએ. આથી જ તેઓ જ્યારે મેકઅપ કરીને પોતાના કામે જતાં ત્યારે લોકો તેમને શંકાની નજરે જોતાં અને માનતા હતા કે તે કોઈ બારમાં કામ કરી રહ્યાં છે. જોકે ટોમોકો લોકો શું કહે છે તેને અવગણીને પોતાને ગમતું કામ કરવાનું ચાલુ રાખ્યું અને આજે છ દસકા બાદ ગિનેસ બુકે રેકોર્ડ બુકમાં સ્થાન આપીને તેનું સન્માન કર્યું છે. એટલું જ નહીં, ટોમોકોએ પોતાના શોખ થકી સાત કરોડ રૂપિયાથી વધુની કમાણી પણ કરી છે. કોઇએ યોગ્ય જ કહ્યું છે કે જયારે તમે તમારું મનગમતું કાર્ય કરો છો ત્યારે તમારે એક પણ દિવસ કામ કરવાની જરૂર પડતી નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter