એન્ટવર્પઃ બેલ્જિયમના એક ટેણિયાએ માત્ર 15 વર્ષની વયે ડોક્ટરેટની ડિગ્રી મેળવીને તેના ‘લિટલ આઇન્સ્ટાઇન’ ઉપનામને સાર્થક ઠેરવ્યું છે. લોરેન્ટ સિમોન્સે પીએચડી માટે પસંદ કરેલો વિષય પણ સામાન્ય નહોતો. તેની થિસિસનો વિષય હતો - ક્વોન્ટમ ફિઝિક્સ. ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે સો વર્ષ અગાઉ જેનો પાયો નાંખ્યો હતો તે ક્વોન્ટમ ફિઝિક્સના વિષયમાં લોરેન્ટે ગયા મહિને યુનિવર્સિટી ઓફ એન્ટવર્પમાં પોતાનો મહાનિબંધ નામે ‘બોઝ પોલારોન્સ ઇન સુપરફ્લુઇડસ એન્ડ સુપર સોલિડ્સ’ સબમિટ કર્યો હતો.
ડોકટર બની ગયા પછી લોરેન્ટ બ્રેક લેવાને બદલે બીજી ડોક્ટરેટ મેળવવા માટે જર્મનીના મ્યુનિક પહોંચી ગયો છે. તે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના મેડિકલ સાયન્સમાં ઉપયોગ વિશે પીએચડી કરવા માંગે છે તેમ તેના માતાપિતાએ જણાવ્યું હતું. જેના જીવનનું ધ્યેય સુપર હ્યુમન બનાવવાનું છે તે લોરેન્ટ નવ વર્ષની વયથી જ માનવજીવનની આવરદા વધારવાની દિશામાં કામ કરી રહ્યો છે. લોરેન્ટ માણસને અમર બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે.
આઠ વર્ષની ઉંમરે જ હાઇસ્કૂલનું શિક્ષણ પતાવી લોરેન્ટે 12 વર્ષની વયે તો ફિઝિક્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી લીધી હતી. તેણે ત્રણ વર્ષનું ભણતર માત્ર અઢાર મહિનામાં પૂરુ કરી દઇ સનસનાટી મચાવી દીધી હતી. તેના માતાપિતા લિડિયા અને એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે યુએસ અને ચીનની મોટી ટેક કંપનીઓએ લોરેન્ટને તેમના રિસર્ચ સેન્ટર્સમાં જોડાવાની ઓફર કરી હતી પણ તેમણે આ ઓફર્સ નકારી કાઢી હતી. તેઓ લોરેન્ટને તેની ગતિએ વિકાસ કરવા દેવા માંગતા હતા.
બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ લોરેન્ટ ક્વોન્ટમ ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી પૂરી કરવાની દિશામાં આગળ વધ્યો હતો. તેણે બોઝોન્સ, બ્લેક હોલ્સ અને અત્યંત નીચા તાપમાને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ (બીઇસી) જેવા વિષયો ભણવા માંડયા હતા. 2022માં તેણે બીઇસી પર પોતાની થિસિસ રજૂ કરી હતી. બીઇસીને પદાર્થનું પાંચમુ સ્વરૂપ ગણવામાં આવે છે.
આ વિચારને સાકાર કરવા ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે ક્વોન્ટમ સ્ટેટેટિક્સની રચના કરી હતી. એ પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ વિચારોને આગળ ધપાવી કલ્પના કરી હતી કે આ પરમાણુઓના જૂથને અતિ નીચા તાપમાને લઇ જવામાં આવે તો શું થાય. આ અવસ્થામાં પરમાણુઓ એકમેકને ચોંટી એક જ પરમાણુ તરીકે વર્તવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે તેમના અસામાન્ય ગુણધર્મોને કારણે બીઇસી ક્વોન્ટમ સિમ્યુલેટર તરીકે કામ કરે છે. જેને કારણે ભૌતિકશાસ્ત્રીઓને તેની મોડેલ ઇફેકટ્સનો અભ્યાસ કરવાની તક મળે છે જે સામાન્ય અવસ્થામાં મળતી નથી.
જોકે લોરેન્ટ સૌથી નાની વયનો પીએચડીધારક નથી
લોરેન્ટે 15વર્ષની વયે ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે તે સાચું, પણ તે સૌથી નાની વયનો પીએચડીધારક નથી. આ બહુમાન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ અનુસાર જોહાન હેન્રિક ફ્રેડરીક કાર્લ વિટ્ટને મળેલું છે જેણે જિસસેન યુનિવર્સિટીમાંથી 13 વર્ષ અને 283 દિવસની વયે 1814માં ડોક્ટરેટ મેળવી હતી.


