150 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વેલ્યૂ ઇન્વેસ્ટર વોરેન બફેટની નિવૃત્તિ

Wednesday 07th January 2026 05:22 EST
 
 

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં વેલ્યૂ ઈન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ 31 ડિસેમ્બરને બુધવારે બર્કશાયર હાથવેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિવૃત્ત થયા છે. આધુનિક કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અને સૌથી અસરકારક નેતૃત્વ કરનારા બફેટ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમેરિકાની સૌથી આદરપાત્ર કંપની બર્કશાયર હાથવેનું ભાવિ શું હશે તેવા પ્રશ્નો પણ થવા લાગ્યા છે. બફેટનાં સ્થાને વાઈસ ચેરમેન ગ્રેગરી એબલે જાન્યુઆરીથી ચાર્જ સંભાળ્યો છે.
95 વર્ષીય વોરેન બફેટે કહ્યું હતું કે તેઓ નિવૃત્ત થયા પછી પણ ઓફિસ આવતા રહેશે અને બોર્ડના ચેરમેન તરીકે કામગીરી કરતા રહેશે. જોકે રોજબરોજની લીડરશિપ કામગીરીમાંથી નિવૃત્તિ સાથે છ દાયકાનો તેમનો કાર્યકાળ પૂરો થઈ જશે. જેમણે અમેરિકન મૂડીવાદને નવો આકાર આપ્યો અને એક સંઘર્ષરત્ ટેક્સટાઈલ ઉત્પાદકથી લઈને વિશ્વભરમાં આદરણીય અને સફળ રોકાણકાર તરીકે આગવું સ્થાન મેળવ્યું છે બફેટની બર્કશાયર હાથવે અમેરિકાની નવમા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની છે. તે અમેરિકાની બીજા ક્રમની સૌથી મોટી પ્રોપર્ટી અને લાયેબિલિટી ઈન્સ્યોરર છે. બર્કશાયરના સ્ટોક્સ, બોન્ડ્સ અને કેશનું મૂલ્ય મળીને 700 બિલિયન ડોલરથી વધુ થાય છે. તેમાં 380 બિલિયન ડોલર જેવી જંગી કેશ છે. તેના 200થી વધુ કાર્યરત્ બિઝનેસ છે.
બફેટ સામાન્ય રીતે કંપનીની એસેટ્સના મૂલ્ય કરતાં પણ નીચા ભાવે ટ્રેડ કરતી કંપનીમાં રોકાણ કરવા માટે જાણીતા છે. પરંતુ અંતિમ વર્ષોમાં તેમણે એપલ જેવી હાઈ ગ્રોથ કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. 2016થી 2018 વચ્ચે તેમણે એપલમાં રોકાણની તક ઝડપી લીધી અને આજે બર્કશાયરના પોર્ટફોલિયોમાં સૌથી નફાકારક રોકાણ તરીકે એપલ કંપની ઊભરી છે. બર્કશાયરના પોર્ટફોલિયોમાં એપલના 65 બિલિયન ડોલરના શેર છે. અને અમેરિકન એક્સપ્રેસમાં 58 બિલિયન ડોલરનું જંગી હોલ્ડીંગ છે. કોકા-કોલાના 28 બિલિયન ડોલરના શેર છે. બેન્ક ઓફ અમેરિકામાં 32 બિલિયન ડોલરનું હોલ્ડિંગ છે. મૂડી'ઝમાં 13 બિલિયન ડોલરનું હોલ્ડિંગ છે.

રોકાણકારોને બફેટની મૂલ્યવાન સલાહ

• વોલેટાલિટી સમયે ધીરજ રાખોઃ તાજેતરના સમયમાં બફેટે શેરબજારમાં વધતી અસ્થિરતા વચ્ચે પણ ધીરજ રાખવાની સલાહ આપી છે. ટૂંકા ગાળાના નફા કરતા મજબૂત વ્યવસાયમાં લાંબા ગાળાનું રોકાણ વધુ સુરક્ષિત સાબિત થાય છે. એપલ, કોકા-કોલા, અમેરિકન એક્સપ્રેસ જેવી કંપનીઓમાં કરેલા તેમના રોકાણો વિચારધારાનું ઉદાહરણ છે.
• નફા પાછળ નહીં દોડો, લાંબાગાળાનું રોકાણ કરોઃ વોરેન બફેટે યુવા પેઢીમાં રોકાણ મુદ્દે ફેવરિટ બન્યા છે તેના પાછળ અનેક કારણો છે. સૌથી મહત્વનું કારણ તેમની સરળ અને સ્પષ્ટ રોકાણ ફિલોસોફી છે. બફેટ કહે છે કે ઝડપી નફા પાછળ દોડવાને બદલે મજબૂત કંપનીમાં લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ, જે યુવાઓને ભવિષ્ય માટે સ્થિર દિશા આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter