150 વર્ષ પહેલાં અપાયેલું દુર્લભ પુસ્તક લાઈબ્રેરીમાં પરત આવ્યું, લેટ ફી 16 લાખને પાર

Sunday 09th August 2026 07:54 EDT
 
 

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની એક પબ્લિક લાઈબ્રેરીમાં આશરે 150 વર્ષના લાંબા સમય પછી એક પુસ્તક સ્થાનિક રહેવાસી રોસ સિમોન્સ દ્વારા પરત કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીના જૂના નિયમો અનુસાર ગણતરી કરવામાં આવે તો આ પુસ્તકની "લેટ ફી" લગભગ 28,000 ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે 16 લાખ રૂપિયા) જેટલી થાય છે.
1858માં પ્રકાશિત "એન્ટિક્વિટીઝ ઓફ એથેન્સ"ની આ દુર્લભ કોપી, ઘરના રિનોવેશન દરમિયાન મળી આવ્યા બાદ ગત સપ્તાહે કિયામા લાઈબ્રેરીને પરત કરવામાં આવી હતી. આ પુસ્તક દાયકાઓથી બંધ કરી દેવાયેલા ફાયરપ્લેસમાં ચાના ખોખાની અંદર છુપાયેલું હતું. ભેજવાળા વાતાવરણને કારણે તેને થોડું નુકસાન પણ થયું છે. કિયામા લાઈબ્રેરીના મેનેજર મિશેલ હડસને જણાવ્યું હતું કે, "અમારી પાસે ભૂતકાળમાં આટલી જૂની કોઈ વસ્તુ ક્યારેય પાછી આવી નથી." હડસનનું માનવું છે કે આ પુસ્તક લાઇબેરી શરૂ થયાના થોડા સમયમાં જ કોઈ વાંચવા લઈ ગયું હતું અને ત્યારબાદથી તે ગાયબ થઈ ગયું હતું.
રોસ સિમોન્સે જણાવ્યું હતું કે પરિવારના જૂના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હતું ત્યારે તેમને આ પુસ્તક મળ્યું હતું. આ પુસ્તક કદાચ તેમના પરદાદા જહોન સિમોન્સ દ્વારા લાઇબેરીમાંથી લેવામાં આવ્યું હશે, જેઓ 1870 ના દાયકામાં તે ઘરમાં રહેતા હતા. ઉલ્લેખનીય છે કે કિયામા લાઇબ્રેરીનો પ્રારંભ 1872માં થયો હતો અને આ પુસ્તક તેના લગભગ 1,000 પુસ્તકોના પ્રારંભિક સંગ્રહમાં 509 નંબર પર નોંધાયેલું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter