ટોરોન્ટોઃ ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબ્રો કેમ્પસ પાસે 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના 23 ડિસેમ્બરે બપોરે ઓલ્ડ કિંગ્સ્ટન રોડ પર બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતક ટોરોન્ટો યુનિવર્સિટીમાં ડોકટરેટનો વિદ્યાર્થી શિવાંક અવસ્થી હતો. આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.
ટોરોન્ટોમાં એક અઠવાડિયામાં ભારતીયની હત્યાનો આ બીજો બનાવ છે. આ પૂર્વે 20 ડિસેમ્બરે 30 વર્ષીય ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા થઈ હતી. ટોરન્ટોના વેલિંગ્ટન સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાનમાંથી હિમાંશીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં આરોપી ટોરન્ટોના નિવાસી અબ્દુલ ગફૂરી ફરાર છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં ડર
ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબ્રો કેમ્પસના આસપાસનો વિસ્તાર ગાઢ જંગલથી ઘેરાયેલો છે. વિદ્યાર્થીઓએ ઘણી વાર સુરક્ષા વધારવા મુદ્દો ઉઠાવ્યો, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આ યુનિવર્સિટીમાં લગભગ અઢી હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. આ એક કેનેડાની ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. આ ઘટના બાદ હવે પાર્ટ ટાઈમ નોકરી કરતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પાછા જવાથી ડરી રહ્યા છે. કેનેડામાં હાલમાં ક્રિસમસ વેકેશન હોવાથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ટોરોન્ટો શહેરમાં અલગ-અલગ સ્થળોએ રહેતા પરિચિતો પાસે જતા રહ્યા છે.


