વોશિંગ્ટનઃ દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પ્રભાવ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ટોચની ટેક્નોલોજી કંપનીઓ પણ એઆઈ આધારિત શોધ-સંશોધન માટે કંપનીઓએ કોથળામોઢે નાણાં ઠાલવી રહી છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે માર્ક ઝકરબર્ગની મેટાએ 24 વર્ષના એઆઈ નિષ્ણાત મેટ ડાઇકને અધધધ કહી શકાય તેવું 25 કરોડ ડોલરનું પેકેજ ઓફર કર્યું છે. ઝકરબર્ગની આ ઓફરે એઆઈ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટેના યુદ્ધમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે એમ કહી શકાય.
વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના ડોક્ટરલ પ્રોગ્રામમાંથી ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થી મેટ ડાઈકની પ્રતિભા પારખીને મેટાએ ચાર વર્ષ પહેલાં અંદાજે 12.5 કરોડ ડોલરના પગારની ઓફર કરી હતી. જોકે ડાઈકે આ ઓફર ફગાવી દીધી હતી. આ પછી માર્ક ઝકરબર્ગ ખુદ મેદાનમાં આવ્યા હતા.
કોર્પોરેટ જગતનું સૌથી મોટું પેકેજ
એઆઈ સેક્ટરમાં પગદંડો જમાવવા માગતા માર્ક ઝકરબર્ગે જાતે એઆઈ સંશોધક મેટ ડાઈકને મળીને તેની ઓફર બમણી કરીને 25 કરોડ ડોલર ઓફરની કરી. આમાંથી પણ 10 કરોડ ડોલર તો પહેલાં જ વર્ષમાં ચૂકવવાની તૈયારી દર્શાવી. સ્વાભાવિકપણે જ ઝકરબર્ગની આ ઓફર એઆઈ રિસર્ચર મેટ ડાઈક નકારી શક્યો નહીં. આ સાથે ડાઈકે કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ પેકેજ મેળવ્યું હોવાનું મનાય છે.
કોણ છે મેટ ડાઇક?!
મેટ ડાઇક પ્રોફેશનલ એઆઈ સંશોધક છે. તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. આ પછી ડાઇકે સિએટલમાં એલન ઈન્સ્ટિટયૂટ ફોર એઆઈમાં કામ કર્યું. ત્યાં તેણે મોલ્મો નામનું એક એઆઈ ચેટબોટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચેટબોટ ઈમેજ, વોઈસ અને ટેક્સ્ટને ડીકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિઝનને અનુરૂપ છે.
ડાઈકે નવેમ્બર 2023માં પોતાનું સ્ટાર્ટઅપ વર્સેપ્ટ શરૂ કર્યું હતું. ડાઈકનું સ્ટાર્ટઅપ એવા એઆઈ એજન્ટ્સ પર કામ કરે છે, જે ઈન્ટરનેટ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપમેળે કામ કરી શકે છે. ડાઈકના સ્ટાર્ટઅપમાં 10 કર્મચારી છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારામાં ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોએ 1.65 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.