કાઠમાંડુઃ એવરેસ્ટ પર કેટલાક લોકો પર્વતારોહણ માટે નહીં, પરંતુ મોજમજા - પાર્ટી કરવા માટે આવે છે. પર્વતારોહણ હવે રોમાંચ નહીં, પરંતુ લક્ઝરી અને મનોરંજનનું માધ્યમ બની ચૂક્યું છે. વિક્રમજનક 31 વાર એવરેસ્ટ સર કરનારા 55 વર્ષીય કામી રીતા શેરપા કહે છે કે ‘ક્લાઈમેટ ચેન્જને કારણે એવરેસ્ટ પર્વતારોહણ માટે જોખમી બન્યો છે. ‘એવરેસ્ટમેન’ તરીકે વિખ્યાત કામીના મતે નવી પેઢીના બાળકો શેરપા બનવા માંગતા નથી. એટલે જ ભવિષ્યમાં પર્વતારોહકોએ શેરપાઓ વગર ચઢાણ કરવું પડશે. કામી એવરેસ્ટ અભિયાનના ભવિષ્યને લઇને ચિંતિત છે. આ મુદ્દે વિચાર વ્યક્ત કર્યા હતા.
• તેજીથી પીગળતો બરફ: માત્ર એવરેસ્ટ નહીં, સમગ્ર પર્વતીય ક્ષેત્રમાં ફેરફાર જોવા મળ્યો છે. ક્લાઈમેટ ચેન્જને કારણે બરફ અનુમાનથી વધુ ઝડપે પીગળી રહ્યો છે. તેનાથી ચઢાણ વધુ પડકારજનક બન્યું છે. એક સમયે જૂનના પહેલા સપ્તાહ સુધી કેમ્પ-2 સુધી બરફ રહેતો હતો. હવે ત્યાં પાણીનો પ્રવાહ વહે છે. હાલમાં જ આવા પ્રવાહમાં તણાઈ જવાને કારણે એક ગાઇડનું મોત થયું હતું. જો આ જ સ્થિતિ રહેશે તો આગામી 10-15 વર્ષમાં પહાડો પર બરફ જરા પણ વધશે નહીં.
• શેરપા ઘટ્યાઃ વધતા જોખમને કારણે હવે શેરપા ગાઇડ્સની સંખ્યા ઘટી રહી છે. જો ખતરો વધશે તો વિદેશી પર્વતારોહક પણ આવવાનું બંધ કરશે. તેનાથી શેરપા ગાઇડ્સના કામને ફટકો પડશે અને નેપાળ સરકારને મળતી રોયલ્ટી પણ બંધ થઇ જશે. આ જ હાલત રહેશો તો આગામી સમયમાં આ પ્રદેશમાં શેરપા કે બરફ પણ નહીં જોવા મળે.
• તાજેતરમાં મોટું પરિવર્તન: પહેલા પર્વતારોહણ રોમાંચની રમત હતી, લોકો નાના ટેન્ટમાં રહેતા હતા, અનેકવાર ખાવાનું મળતું ન હતું. હવે મોટા મોટા ડોમ ટેન્ટ લાગે છે, જનરેટરથી ગરમી અને રોશની, મનપસંદ ભોજન મળે છે, કેટલાક લોકો માત્ર મનોરંજન કરવા માટે આવે છે. જે ખોટું છે.
• સૌથી મોટી શીખઃ પર્વતારોહણમાં સૌથી મોટી શીખ એ છે કે જીવનની કિંમત સમજવી જોઇએ. કોઇને ટોચ સુધી પહોંચાડવા એ સફળતા નથી, તેમને સુરક્ષિત પરત લાવવા વધુ જરૂરી છે. જ્યારે કોઇ પર્વતારોહક પોતાના પરિવારને ફરીથી મળી શકે છે. ત્યારે જ લાગે છે કે આપણે કંઇક હાંસલ કર્યું. સંતુષ્ટિનો અનુભવ થાય છે.
• પર્વતારોહણનું ભવિષ્યઃ હું મારા સંતાનને ગાઈડ બનાવવા માંગતો નથી. બીજા શેરપા પરિવારોના સંતાનો પણ આ વ્યવસાયમાં આવવા ઇચ્છુક નથી. જોખમ વધવાથી નવી પેઢી આ કામમાં રૂચિ ધરાવતી નથી. આગામી સમયમાં શેરપા ગાઇડ્સની અછત સર્જાઇ શકે છે.