બેઇજિંગઃ 33 વર્ષ લાંબો ઇંતઝાર અને આંખોમાં માત્ર એક ઝાંખી તસવીરની યાદ... છતાં બહેને લાપત્તા ભાઇને શોધી જ કાઢ્યો. એક રોટલી મેળવવાની લાલચમાં બાળપણમાં જે ભાઈ ગુમ થઇ ગયો હતો તેને શોધવા માટે આ બહેને પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી.
ચીનની એક બહેને સાબિત કરી દીધું કે જો ઈરાદા મક્કમ હોય, તો ઝાંખી તસવીરોથી પણ સ્વજનોની તકદીર બદલી શકાય છે. માત્ર એક રોટલીની લાલચમાં 33 વર્ષ પહેલાં ખોવાયેલો ભાઈ જ્યારે પોતાની મોટી બહેનને મળ્યો, ત્યારે એ દૃશ્ય જોઈને પથ્થર દિલના માણસનું પણ હૃદય પીગળી જાય તેવો લાગણીભર્યો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટ મુજબ, ચીનની 44 વર્ષની લી લિનની આ કહાની કોઈ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી ભલે લાગે છે, પરંતુ આ હકીકત છે. માતાનું અણધાર્યું મૃત્યુ અને પિતા ઘર છોડીને ચાલ્યા ગયા પછી લી લિન અને તેનો નાનો ભાઈ લીશિન અનાથની જેમ કચરો વીણીને પેટ ભરતા હતા.
એક દિવસ એક મહિલા લીશિનને રોટલીની લાલચ આપી બહેનલી લિનની નજર સામેથી તેને લઈ ગઈ. એ એક ક્ષણ 33 વર્ષ લાંબી પ્રતીક્ષામાં બદલાઈ ગઈ. જોકે લી લિને સમય-સંજોગ સામે હાર ન સ્વીકારી. તેણે પોતાનો જીવનનિર્વાહ ચલાવવા વાસણો માંજ્યા, ઈંટો ઉપાડી સાથે સાથે જ પોતાની આખી જિંદગી ભાઈની શોધમાં લગાવી દીધી. 33 વર્ષ લાંબી મહેનત રંગ લાવી, અને તેણે ભાઇને શોધી જ કાઢ્યો. પોલીસ પણ ભાઇની ઓળખ નિશ્ચત કરવામાં મદદરૂપ થઇ. ફેસિયલ રેકગ્નિશન અને ડીએનએ ટેસ્ટની મદદથી તે લી શિન જ હોવાનું પાક્કું કરી આપ્યું. બહેન-ભાઇના આ ભાવુક મિલનની ઇન્ટરનેટ પર ફરતી થયેલી તસવીરો દરેકની આંખોને ભીની કરી રહી છે.


